
વડોદરા નજીક મહિસાગર નદી ઉપરનાં ગંભીરા બ્રિજનો એક સ્પાન તૂટી પડવાની દુર્ઘટનાને ગંભીરતાથી લઇ મ્યુનિ.એ પણ શહેરનાં ૭૫ બ્રિજ પૈકી ૧૫ વર્ષથી જૂના બ્રિજનુ પ્રાયોરિટીમાં ચેકિંગ કરાવવા તેમજ જરૂરી રિપેરીંગ કરાવવાનો નિર્ણય લીધો છે. મ્યુનિ. સ્ટે.કમિટી ચેરમેને દેવાંગભાઇ દાણીએ જણાવ્યું હતું કે, મ્યુનિ. હદમાં આવેલાં રિવરબ્રિજ અને રેલ્વે ઓવરબ્રિજ તેમજ ફલાયઓવર મળી ૭૫ બ્રિજ હયાત છે, તે પૈકી ૬૯ બ્રિજનાં પ્રાયમરી ઇન્સ્પેકશન રિપોર્ટ મુજબ રિપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેનુ ૮૦ ટકા કામ પૂરૂ થઇ ગયું છે. તેમણે કહ્યું કે, માર્ચ ૨૦૨૫ પછી ૧૬ બ્રિજ અને બે ફૂટઓવર બ્રિજની ડિસ્ટ્રીક્ટીવ તથા નોન ડિસ્ટ્રીક્ટીવ ટેસ્ટ સાથેની ડિટેઇલ ઇન્સ્પેકશનની કામગીરી પણ પૂરી કરવામાં આવી છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જરૂરિયાત મુજબ રિપેરીંગ અને સ્ટ્રેન્ધનીંગની કામગીરી કરવામાં આવશે. સ્ટે.કમિટી ચેરમેને વધુ માહિતી આપતાં કહ્યું કે, મ્યુનિ.નાં ૪૨ જેટલાં બ્રિજનુ ઇન્સ્પેકશન ચોમાસા બાદ હાથ ધરવામાં આવશે.
સ્ટે.કમિટી ચેરમેનની સાથે ઉપસ્થિત ડે.કમિશનર મિરાંત પરીખે જણાવ્યું હતું કે, મ્યુનિ.માં વર્ષ ૨૦૧૦ પહેલાં બનેલાં બ્રિજનુ પ્રાયોરિટીમાં ચેકિંગ કરવા માટે બ્રિજ પ્રોજેક્ટ વિભાગની ટીમ તેમજ કન્સલ્ટન્ટની ટીમને જવાબદારી સોંપી દેવાઇ છે. તેમજ બ્રિજની જરૂરિયાત પ્રમાણે રિપેરીંગ વગેરે કામ માટે એક ટેન્ડર ચાલુ છે અને બીજુ બહાર પાડવામાં આવશે. તેમણે વધુ માહિતી આપતાં કહ્યુ કે, સાબરમતી નદી ઉપર બનેલાં બ્રિજ પૈકી ત્રણેક બ્રિજનાં લોડ ટેસ્ટ કરાવવાની ગંભીર વિચારણા હાથ ધરવામાં આવી છે, જેમાં ટનબંધ મટિરિયલ ભરીને ટ્રક બ્રિજનાં સ્પાન ઉપર ઉભા રાખવામાં આવશે. જોકે હાલ કયા ત્રણ બ્રિજ ઉપર લોડ ટેસ્ટ કરાવવામાં આવશે તે બે ચાર દિવસમાં નક્કી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
ડે.કમિશનરે કહ્યું કે, ગાંધીબ્રિજનુ રિપેરીંગ કામ ચાલુ છે અને સરદારબ્રિજનુ રિપેરીંગ કામ ટૂંક સમયમાં હાથ ધરાશે. આ સિવાય સારંગપુર, કાલુપુર બ્રિજનાં કામ પણ ચાલુ છે અને અસારવા બ્રિજને પણ તોડી નવો બનાવવાનુ ટેન્ડર મંજૂર થઇ ગયું છે. મ્યુનિ.નાં બ્રિજ-રોડ પ્રોજેક્ટ વિભાગનાં સિટી ઇજનેર હરપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મ્યુનિ. દ્વારા બનાવવામાં આવતાં નવા બ્રિજનાં નિર્માણકાર્ય ઉપર કડક દેખરેખ રાખવાની સાથે બ્રિજનુ નિર્માણકાર્ય પૂરૂ થયાં બાદ લોકાર્પણ પહેલાં ટનબંધ રેતી ભરેલાં ટ્રક ઉભા રાખીને લોડ ટેસ્ટ કરવામાં આવે છે.