
વડોદરા પાસે મહિસાગર નદી ઉપરનાં જર્જરિત ગંભીરા બ્રિજનો એક સ્પાન તૂટી પડતાં ૧૭ વ્યક્તિનાં વ્યક્તિનાં મરણની દુર્ઘટના બાદ હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચારનુ પ્રતિક બની ચૂકેલાં હાટકેશ્વર બ્રિજને તોડી નાખવાની દરખાસ્ત મ્યુનિ.સત્તાધીશોએ તાબડતોબ મંજૂર કરી નાખી છે અને બ્રિજ તોડવા માટે એક કોન્ટ્રાક્ટરને ૩.૯૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે.
મ્યુનિ. સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણીએ જણાવ્યું હતું કે, શહેરનાં પૂર્વ વિસ્તારમાં આવેલાં હાટકેશ્વર ફ્લાયઓવરનાં સ્પાનમાં ખાડાખૈયા અને અન્ય ખામીઓ ઉજાગર થયાં બાદ વિવિધ સંસ્થાઓ અને કન્સલ્ટન્ટ એજન્સીઓ પાસે બ્રિજની મજબૂતાઇની ચકાસણી કરાવવામાં આવી હતી. જેમાં મોટાભાગનાં રિપોર્ટમાં બ્રિજને તોડી પાડવાની ભલામણ કરવામાં આવી હોવાથી તેને સંપૂર્ણપણે જમીનદોસ્ત કરવાનો નિર્ણય શાસક ભાજપ અને કમિશનર સ્તરે લેવાયો હતો. એટલુ જ નહિ હાટકેશ્વર બ્રિજનાં કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ તથા થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન એજન્સી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જોકે અગાઉ એક વાર હાટકેશ્વર બ્રિજને તોડી નવો બનાવવાનુ ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતું, જેમાં એક પાર્ટીનુ ટેન્ડર ગ્રાહ્ય રાખવામાં આવ્યુ હતુ, પરંતુ પાછળથી કોઇ અકળ કારણોસર તે ટેન્ડર રદ કરીને ફક્ત બ્રિજ તોડવાનુ ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતું.
જેમાં ચાર કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર ભર્યા હતા, તે પૈકી ૩ કોન્ટ્રાક્ટર ક્વોલિફાય થયાં હતા. તેમાં શ્રી ગણેશ કન્સ્ટ્રકશન નામનાં કોન્ટ્રાક્ટરે આમ તો ૭.૯૦ કરોડનુ ટેન્ડર ભર્યુ હતુ, પરંતુ બ્રિજનાં સ્ક્રેપમાંથી રિસાયકલ થઇ શકે તેવા લોખંડ વગેરેની કિંમત બાદ કરીને ૩.૯૦ કરોડનાં ભાવે કામ કરવાની સંમતિ આપી હોવાથી તેનુ ટેન્ડર ગુરૂવારે મળેલી સ્ટે.કમિટીમાં તાકીદનાં કામ તરીકે મંજૂર કરી દેવાયુ છે તેમ ચેરમેન દેવાંગભાઇ દાણીએ જણાવ્યું હતું.
દરમિયાનમાં મ્યુનિ. ડે.કમિશનર મિરાંત પરીખે જણાવ્યું હતું કે, હાટકેશ્વર બ્રિજને તોડવા માટે તમામ ડિઝાઇન અને મેથોડોલોજી તૈયાર કરી સબમીટ કર્યા બાદ મેથોડોલોજી કન્સલ્ટન્ટ અને આઇ.આઇ.ટી.ગાંધીનગર પાસે ચેક કરાવવાની રહેશે, ત્યારબાદ કોઇ સુધારાવધારા સૂચવવામાં આવે તે મુજબ કામગીરી કરવાની રહેશે.
તેમણે કહ્યું કે, હાટકેશ્વર બ્રિજ તોડવા માટે કોન્ટ્રાક્ટરે ચાર મહિનાનો સમય માંગ્યો હતો, પરંતુ મ્યુનિ.એ છ મહિનાનો સમય આપ્યો છે. હાટકેશ્વર બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટર પાસેથી ખર્ચ વસુલાત અંગે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, હાટકેશ્વર બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટરે પલ્લવ બ્રિજ બનાવ્યો છે અને તેનાં છેલ્લા બિલ ચૂકવવાનાં બાકી રાખવામાં આવ્યા છે, તેમાંથી હાટકેશ્વર બ્રિજ તોડવાનો ખર્ચ વસુલ કરવામાં આવશે. જોકે હાટકેશ્વર બ્રિજ નવો બનાવવાનો સંપૂર્ણ ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી વસુલ કરવાનાં અગાઉ થયેલાં દાવા અંગે કોઇએ ફોડ પાડવાનુ મુનાસીબ માન્યુ નહોતુ.
મ્યુનિ. સૂત્રોએ કહ્યું કે, હાટકેશ્વર બ્રિજ બનાવવા પાછળ મ્યુનિ. તિજોરીમાંથી ૪૦ કરોડનો જંગી ખર્ચ થયો હતો, તેની સામે બ્રિજનાં ભંગારમાંથી ફક્ત ચાર કરોડની રિકવરી થશે તે શરમજનક બાબત છે. એટલુ જ નહિ કોન્ટ્રાક્ટર પાસેથી નવા બ્રિજનો ખર્ચ વસુલ થશે કે કેમ તેમજ કેટલો ખર્ચ વસુલ થશે અને ક્યારે થશે તે કોઇ કહી શકે તેમ જ નથી, કારણ કે કોન્ટ્રાક્ટર રાજકીય પીઠબળ ધરાવે છે.