
અમદાવાદમાં ગાંજા અને ઇ સિગારેટનું ચલણ સતત વધી રહ્યું છે ત્યારે એસઓજીની ટીમને જુહાપુરામાંથી એક રિક્ષામાંથી 6 કિલો ગાંજો મળી આવ્યો હતો. ઉપરાંત, દાણીલીમડા પરીક્ષિતનગર ખાતેના સ્લમ ક્વાર્ટરમાંથી પણ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. બીજી તરફ, નારણપુરાની નવરંગ હોટલના બેઝમેન્ટમાં ચાલતા પાનના ગલ્લામાંથી ઇ સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો.
અમદાવાદ એસઓજીના બી.સી. સોલંકીની ટીમને બાતમી મળી હતી કે જુહાપુરા ફતેવાડીથી એક રિક્ષા અંબર ટાવર તરફ જવાની છે. તેમાં મોટા પ્રમાણમાં ગાંજો છે. તેથી ઇન્સ્પેક્ટર દેસાઇ તેમની ટીમ સાથે સરખેજ ફતેવાડી રોડ પર વોચમાં ગોઠવાઇ ગયા હતા. બાતમીવાળી રિક્ષા આવી ત્યારે પોલીસે તેને કોર્ડન કરીને રોકી હતી. રિક્ષાચાલકે પોતાનું નામ હમઝા જેનુલ શેખ (ઉંવ. 24, રહે. બાગેબદર સોસાયટી, ફતેવાહી કેનાલ પાસે, અમદાવાદ) જણાવ્યું હતું. રિક્ષામાં રહેલી પ્લાસ્ટિકની થેલીમાંથી 6 કિલો ગાંજો મળી આવ્યો હતો. હમઝાએ આ ગાંજો તેને ભૂરા નામના સપ્લયારે આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ભૂરાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ આદરી છે.
દાણીલીમડામાં પણ ગાંજાનો જથ્થો છૂપાવવામાં આવ્યો હોવાની વિગતો મળતાં ઇન્સ્પેક્ટર એ.ડી. ગામીત ટીમ સાથે દાણીલીમડા પરીક્ષિતનગર ખાતેના સ્લમ ક્વાર્ટર પહોંચી ગયા હતા. ત્યાં મહંમદ આકિબ ઉસ્માનભાઇ અંસારી (ઉંવ. 27)ના ઘરમાં રેડ કરી 71 ગ્રામ ગાંજો કબેજ લઇ આકિબની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે તેના મકાન માલિક ઇમ્તીયાઝ મુખ્તીયાર શેખ ગાંજાનો ધંધો કરે છે અને ગાંજો વેચવા માટે તેને આપતા હતા. તે કહે ત્યાં ગાંજાની ડિલિવરી કરવાની રહેતી હતી. ઇમ્તીયાજ આકિબને રોજના ગાંજાની ડિલિવરી માટે રૂ. 500 આપતો હતો. પોલીસે ઇમ્તીયાઝને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ આદરી છે.
અમદાવાદમાં મોટા ભાગના પાનના ગલ્લાઓ પર ઇ સિગારેટ મળી રહી છે. પાનના ગલ્લાવાળા પણ ઓળખીતાને કે કોઇ રેફરન્સથી આવે તેને જ ઇ સિગારેટ આપતા હોય છે. એસઓજીની ટીમને માહિતી મળી હતી કે નારણપુરા વિજય ચાર રસ્તા નજીકના ચેન-2 કોમ્પ્લેક્સની નવરંગ હોટલના બેઝમેન્ટમાં ચાલતા રાધે પાનના ગલ્લામાં ઇ સિગારેટનું વેચાણ થઇ રહ્યું છે. પોલીસે ત્યાં દરોડો પાડીને તપાસ શરૂ કરી હતી. પૂછપરછમાં દુકાનદારનું નામ ઘનશ્યામ ગોબરભાઇ ધરજીયા (રહે. અનુપમ સોસાયટી, નારણપુરા) હોવાનું જાણી શકાયું હતું. પોલીસે સ્વેચ્છાએ ઇ સિગારેટ રજૂ કરવા કહેતા જુદી જુદી ઇ સિગારેટના 6 પેકેટસ, નાની પ્લાસ્ટિકની 10 બોટલ તથા ઇ સિગારેટમાં ઉપયોગમાં લેવાતા પૂંઠાના 68 પેકેટસ સહિત 19 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.
રાજ્યભરમાં ગત બુધવારે મેડિકલ સ્ટોર અને પાન પાર્લરમાં પ્રતિબંધિત માદક દ્રવ્યોના જથ્થાના સંગ્રહ કરીને વેચાણ કરતી દુકાનો તેમજ પાન પાર્લર પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. નિકોલ પોલીસે રસપાન ચાર રસ્તા નજીક ગલ્લામાં દરોડા પાડીને તપાસ કરી તો તેમાંથી પ્રતિબંધિત ઈ-સિગારેટના કુલ 7 પેકેટ મળી આવ્યા હતા. આ મામલે નિકોલ પોલીસે દુકાન ચલાવનાર અજય ભદોરિયાની ધરપકડ કરી છે. સ્કૂલ કોલેજોની આસપાસ પાનપાર્લરો અને મેડિકલ દુકાનો તેમજ અન્ય જગ્યાએ તમાકુ સહિત અન્ય માદક દ્રવ્યોનું વેચાણ કરનાર વેપારીઓ પર તવાઈ બોલવવા માટે રાજ્યભરમાં ખાસ ડ્રાઈવનું આયોજન બુધવારે કરવામાં આવ્યું હતું. તેના અનુસંધાને નિકોલ પોલીસે રસપાન ચાર રસ્તા નજીક સાંઈ ફ્લોરા ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી નઝરબટુ પાર્લરમાં તપાસ કરતા દુકાનમાંથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે નિકોલ પોલીસે દુકાનદાર અજય ભદોરિયા (ઉ. 36, રહે. નિકોલ)ની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.