ચાણક્યપુરી ડમરૂ સર્કલ પાસે 1.10 કરોડના ચાંદીના દાગીના લઇને ભાગી ગયેલા બે હેલ્પર અને રિસિવરની ધરપકડ

Spread the love

 

ચાણક્યપુરી ડમરૂ સર્કલ પાસે આવેલી મૃદુલપાર્ક સોસાયટી વિ-6માં આવેલા આરવ ઝવેરી જ્વેલર્સ શોપમાંથી બે કર્મીઓ 1.10 કરોડના ચાંદીના દાગીના લઇને રફુચક્કર થઇ ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરાતા સોલા પોલીસે બંને કર્મચારી સામે ગુનો નોંધી બંનેને પાટણ પાસે વતનમાંથી ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે દાગીનાના રિસિવરની પણ પોલીસે ધરપકડ કરી છે. મૂળ રાજસ્થાનના પવનભાઇ જૈન ચાણક્યપુરીમાં રહે છે. પવનભાઇ ચાણક્યપુરી ડમરૂ સર્કલ પાસેની મૃદુલપાર્ક સોસાયટી વિ-6માં આવેલા આરવ ઝવેરી જ્વેલર્સ શોપમાં 15 વર્ષથી મેનેજર છે. તેમની આ શોરૂમમાં અજય દલાભાઇ દેસાઇ (રહે. ચાંદલોડિયા) અને પિયુષ ધરમશી દેસાઇ (રહે. ચાણક્યપુરી) બે માસથી હેલ્પર તરીકે નોકરીએ લાગ્યા હતા. પવનભાઇ, અજય અને પિયુષ એમ ત્રણેય લોકો શહેરના અન્ય જ્વેલર્સ શોપ ખાતે જઇને આ દાગીના વેચાણ કરતા હતા. વેચાણ કરેલા દાગીનાનો હિસાબ માલિક નીપુણભાઇ શાહને આપતા હતા. તેવામાં ગત તા.5 જુલાઇએ પવનભાઇ 125 કિલો ચાંદીના દાગીના દુકાનના લોકરમાં મૂકીને ઘરે ગયા હતા. બીજા દિવસે સાંજે અજયના પિતાએ ફોન કરીને અજય ઘરે ન આવ્યો હોવા બાબતે પવનભાઇને ફોન કર્યો હતો. જેથી પવનભાઇએ પહેલા અજય અને પછી પિયુષને ફોન કરતા બંનેના નંબરો બંધ આવતા હતા. જેથી પવનભાઇ દુકાને આવ્યા અને સેલ્સમેન રાજેશ જોષીને પૂછતા તેમણે જણાવ્યું કે અજય અને પિયુષ સવારે જ્વેલર્સ પર આવ્યા હતા. બંને લોકરની ચાવી લઇને લોકર ખોલીને ચાંદીના દાગીના ભરેલા સાત થેલા લઇને સેલિંગ માટે જતા હોવાનું કહીને નીકળી ગયા હતા. જેથી પવનભાઇએ લોકરમાં જોયું તો 125 કિલોમાંથી 4.5 કિલો વજનના દાગીના હતા અને 120.5 કિલોના દાગીના બંને આરોપીઓ સેલિંગના બહાને લઇ ગયા હતા. બંને આરોપીઓ સાંજ સુધી પરત ન આવતા આ મામલે જ્વેલર્સ માલિકને વાત કરી હતી. બાદમાં આ મામલે સોલા પોલીસને જાણ કરાતા પોલીસે રૂ. 1.10 કરોડના દાગીના લઇને ભાગી જનાર અજય દલાભાઇ દેસાઇ અને પિયુષ ધરમશી દેસાઇ સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. જ્યારે દાગીનાના રિસિવર કમલેશ રબારીની પણ ધરપકડ કરી છે. બંને આરોપીઓએ એક સાથે 125 કિલો ચાંદીનો જથ્થો જોતા જ લાલચમાં આવી ગયા હતા અને દાગીના લઇને ભાગી ગયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *