કાગડાપીઠમાં ત્રણ મિત્રોએ તીક્ષ્ણ હથિયાર વડે કોઇ કારણસર મિત્રની હત્યા કરી પલાયન થયા, કાગડાપીઠ પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ આદરી

Spread the love

 

કાગડાપીઠ વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે ત્રણ મિત્રોએ કોઇ કારણસર મિત્ર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી પલાયન થઇ ગયા હતા. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં ઘાયલ યુવકને હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે મૃતકના ભાઇએ ત્રણે આરોપી સામે ફરિયાદ નોંધાવતા કાગડાપીઠ પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ આદરી છે. શહેરના ગીતા મંદિર વિસ્તારમાં 35 વર્ષિય કેતન ઉર્ફે મોદી જગદીશભાઇ ગોહેલ તેની પત્ની ચંદ્રીકા અને બે સંતાન સાથે રહેતો હતો અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઇકાલે કેતનને તેના મિત્રો જયેશ ઉર્ફે જેકો રમેશભાઇ ઝાલા, ધર્મેશ ઉર્ફે ધમો ગોરધનભાઇ મકવાણા અને જગદીશ ઉર્ફે જગ્ગુ વિનદોભાઇ રાઠોડ સાથે કોઇ કારણસર માથાકૂટ થઇ હતી. ત્યારે ઉશ્કેરાયેલા ત્રણે વ્યક્તિઓએ કેતનને માર માર્યો હતો અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા કેતન ત્યાં પટકાયો હતો. બીજી તરફ કેતનના ભાણિયા રોનકે આ ઘટના જોતા કેતનના મોટા ભાઇ ધર્મેન્દ્રને આ મામલે જાણ કરતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે કેતન લોહીલુહાણ હાલતમાં નીચે પટકાયેલો પડ્યો હતો અને ગળાના ભાગેથી લોહી નીકળતું હતું. તેથી તાત્કાલીક 108 મારફતે કેતનને એલજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જો કે, ત્યાં હાજર તબીબોએ કેતનને મૃત જાહેર કર્યો હતો. જેથી આ મામલે કેતનના મિત્ર કેવીનને ધર્મેન્દ્રએ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, હું મોડી રાત્રે બરગર લઇને ઘરે જતો હતો ત્યારે જયેશ, ધર્મેશ અને જગદીશ કેતન સાથે બોલચાલ કરી ઝઘડો કરી રહ્યાં હતાં. પરંતુ મારે ઘરે બર્ગર આપવાનું હોવાથી હું ત્યાંથી ચાલ્યો ગયો હતો અને પછી પરત આવ્યો ત્યારે કેતન લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. જ્યારે જયેશ સહિત ત્રણે હુમલાખોરો પલાયન થઇ ગયા હતા. આ મામલે ધર્મેન્દ્રએ જયેશ ઉર્ફે જેકો ઝાલા, ધર્મેશ ઉર્ફે ધમો મકવાણા અને જગદીશ ઉર્ફે જગ્ગુ રાઠોડ સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *