
શહેરના રામોલ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ મચાવેલા આતંક જેવી જ ઘટના ન્યુ રાણીપના બલોલનગર બ્રિજ પર બનવા પામી હતી. એક ગેંગના સાત લોકોએ બ્રિજ પરથી પસાર થતા અનેક વાહનચાલકોને રોકીને લાકડી અને છરા બતાવીને ભયમાં મૂક્યા હતા. બે વાહનચાલકો તો એટલા બધા ડરી ગયા હતા કે પોતાના વાહનો મૂકીને જ ભાગી છૂટ્યા હતા. જ્યારે અસામાજિક તત્ત્વોના ટોળાએ તો એક ગાડીમાં લાકડી અને છરા મારીને નુકસાન પહોંચાડ્યું હતું. મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ બનેલા આ બનાવથી સમગ્ર વિસ્તારમાં રીતસરનો ભયનો માહોલ સર્જાયો હતો. આખરે આ મામલે સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નવા વાડજ વિસ્તારમાં રહેતા મુકેશભાઇ ભરવાડ રિવેરા કન્સ્ટ્રક્શન નામની કંપનીમાં નોકરી કરે છે. ગત તા.7મીએ રાત્રે 12 વાગ્યા આસપાસ તે મજૂરોને મજૂરીના આપવાના 49 હજાર એક્ટિવાની ડેકીમાં મૂકીને નીકળ્યા હતા. મુકેશભાઇ ન્યુ રાણીપમાં આવેલા બલોલનગર બ્રિજ પર પહોંચ્યા ત્યારે વચ્ચોવચ એક કાર ઊભી હતી. કાર પાસે સાતેક લોકો લાકડી અને છરા જેવા હથિયાર લઇને ઊભા હતા. મુકેશભાઇ આ શખ્સો પાસેથી પસાર થતા ત્યારે આ શખ્સો રાહદારીઓને ઊભા રાખીને હથિયારો બતાવીને ડરાવતા ધમકાવતા હતા. આ શખ્સોએ મુકેશભાઇને પણ ઊભા રાખીને ફેંટો મારીને હથિયારોથી હુમલો કર્યો હતો. ડરના માર્યા મુકેશભાઇ 49 હજાર રોકડા અને એક્ટિવા ત્યાં જ મૂકીને ભાગી ગયા હતા. બાદમાં આ શખ્સોએ અન્ય એક ગાડીને પણ ઊભી રાખીને બોનેટ પર લાકડીના ફટકા માર્યા હતા. આ માથાભારે શખ્સો આટલેથી અટક્યા નહોતા અને ગાડીના કાચ તોડવાની કોશિશ કરી હતી. જોકે, ચાલક રવિ ઉર્ફે કિન્તુર પટેલ ગાડી પૂરઝડપે હંકારીને નીકળી ગયા હતા.
બાદમાં ત્યાંથી બુલેટ પર તન્મય પરિહાર અને ક્રિષ્ણા કોષ્ટી નામના બે લોકો પસાર થતા હતા તેમને પણ ઊભા રાખીને આ શખ્સોએ ગાળાગાળી કરીને હથિયારો બતાવ્યા હતા. આ બંને લોકો પણ ગભરાઇને બુલેટ ત્યાં જ છોડીને નાસી ગયા હતા. બાદમાં આ શખ્સો એક્ટિવા, 49 હજાર રોકડા અને બુલેટ લઇને નાસી ગયા હતા. પોલીસને જાણ કરાતા સાબરમતી પોલીસે તપાસ કરતા લૂંટેલા વાહનો સરસ્વતીનગરમાંથી મળી આવ્યા હતા. આ મામલે સાબરમતી પોલીસે રોહિત, રાહુલ, પ્રિતમ, કટીંગ, દેવા, રમાકાંત અને વિશાલ નામના આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઘટના બની ત્યારે અનેક વાહનચાલકો ભયમાં મૂકાયા હતા. અસામાજિક તત્વોએ આખો બ્રિજ બાનમાં લીધો હતો અને બાદમાં અહીંથી પસાર થતા લોકોને રોકીને ડરાવી ધમકાવીને તોફાન મચાવ્યું હતું. બેથી ત્રણ લોકો તો ડરના માર્યા વાહનો મૂકીને જ ભાગી ગયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી તાત્કાલિક ટીમો બનાવીને સાત આરોપીમાંથી રોહિત, રાહુલ, કટીંગ, દેવા, રમાકાંત અને વિશાલની ધરપકડ કરી છે. જ્યારે ફરાર આરોપી પ્રિતમને શોધવા તજવિજ હાથ ધરી છે.