જુહાપુરા વિસ્તારમાં મુખ્ય રોડ પરની પેટ શોપમાંથી એક ચોર 11 ઓસ્ટ્રેલિયન અને આફ્રિકન પોપટ સહિત 15 લાખથી વધુની ચોરી કરી ફરાર

Spread the love

 

દિવસ રાત લોકોની અવર જવરથી ધમધમતા જુહાપુરા વિસ્તારમાં મુખ્ય રોડ પરની પેટ શોપમાંથી એક ચોર 11 ઓસ્ટ્રેલિયન અને આફ્રિકન પોપટ સહિત 15 લાખથી વધુની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ કેસમાં પોલીસે 90થી વધુ સીસીટીવી તપાસ્યા છતાંય પોલીસ દિશાવિહીન બની છે. ત્યારે આરોપી અસલાલી સર્કલથી વડોદરા હાઇવે તરફ નાસી ગયો હોવાનું સામે આવ્યું છે. જો કે બીજીબાજુ ચોરીને અંજામ આપનાર સામાન્ય ચોર જ છે કે વિદેશી પક્ષીઓની તફડંચી કરતી કોઇ મોટી ગેંગનો સભ્ય છે તે બાબતે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. સોનલ સિનેમા રોડ પર આવેલી મધુમંગલ સોસાયટીમાં રહેતા મોહમંદ આકીફ શેખ જુહાપુરના રોયલ અકબર ટાવરની સામે અલસુગરા પેટ શોપ્સ નામની દુકાન ધરાવે છે. ગત મંગળવારે વહેલી સવારે કોઇ રાહદારીએ આકીફભાઇને ફોન કરીને દુકાનના શટરનું તાળું તૂટ્યું હોવાની જાણ કરી હતી. આકીફભાઇએ દુકાન ખાતે જઇને તપાસ કરી તો ચોરે પક્ષીઓના પીંજરા ખોલીને ત્રણ પીંજરા અને 11 પોપટ અને રોકડા 24 હજાર મળીને કુલ 15 લાખથી વધુની મતા ચોરી કરી હતી. બ્લ્યૂ ગોલ્ડ મકાવ, ગ્રીન વિંગ મકાવ, મલુકન કાકાંટુ, ગેલેરીટા કાકાંટુ, અમ્રેલા કાકાંટુ, આફ્રિકન ગ્રે, એક્લેટ્સ પેરટ જેવા ઓસ્ટ્રેલિયન અને આફ્રિકન પોપટની ચોરી થતાં પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે ચોર જે દિશામાં ભાગ્યો તે રૂટ પરના 90થી વધુ સીસીટીવી તપાસ્યા ત્યારે 24 કલાક બાદ પણ પોલીસ દિશાવિહીન બની છે. ચોરી કરનાર ચોર અસલાલી સર્કલથી વડોદરા હાઇવે તરફના રોડ પર ગયો હોવાનું સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *