
રાજ્યભરની દવાની દુકાનોમાં છેલ્લા લાંબા સમયથી નશા માટે ઉપયોગમાં લેવાતી હોય તેવી દવાઓનું ગેરકાયદે વેચાણ થતું હોવાની ફરિયાદ ઉઠી હતી. જેને ધ્યાનમાં લઇને પોલીસે સમગ્ર રાજ્યમાં દવાની સેંકડો દુકાનો ઉપર દરોડા પાડીને ચેકિંગ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી હોય તેવી દવાઓ વગર પ્રિસ્ક્રીપ્શન વિના કોઇપણ વ્યક્તિને વેચતા હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાતા કેમિસ્ટ સ્ટોરના માલિકોમાં ફફડાટ ફેલાયો હતો. અમદાવાદ શહેર પોલીસે 724 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરી એક એનડીપીએસ કેસ સહિત કુલ 160 કેસ દાખલ કર્યા હતા. વલસાડ જિલ્લામાં પણ નાર્કોટિક્સ ડ્રગનો 1 સહિત કુલ 45 કેસ કરાયા હતા. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી રાજ્યભરમાં પોલીસ દ્વારા મેગા ચેકિંગ હાથ ધરાયું હતું. જેનો હેતુ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળની દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ, પ્રતિબંધિત દવાઓનો જથ્થો, નિયમોની વિરુદ્ધ વધુ પડતો સંગ્રહ અને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણને અટકાવવા દરોડા પડાયા હતા. શાળાઓ-કોલેજો નજીકની દવાની દુકાનો ઉપર ખાસ ચેકિંગ કરાયું હતું. સુરત શહેરમાં 333 દુકાનમાં ચેકીંગ કરી એક મેડિકલ સ્ટોરમાંથી 93 કોડીન સીરપ તેમજ એક મેડિકલ સ્ટોરમાંથી 15 કોડીન સીરપ અને પાંચ આલ્પ્રામાઝોલ બોટલ કબ્જે કરી હતી. પાટણ જિલ્લામાં 61, નવસારીમાં 184, જામનગરમાં 66, ભરૂચ જિલ્લામાં 258,આહવા ડાંગમાં 23, દાહોદ જિલ્લામાં 129, પંચમહાલ જિલ્લામાં 112 અને ગાંધીનગર જિલ્લામાં 317 મેડિકલ સ્ટોર્સમાં સાંજ સુધી ચેકિંગ કરાયું હતું. દવાની દુકાનોમાં કેટલીક દવાઓ જે બીમારીના નિવારણ માટે હોય છે તેને નશો કરતા લોકો દારૂના સસ્તા વિકલ્પ તરીકે ઉપયોગ કરે છે.