
શ્રાવણ મહિનો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શહેરમાં તો પહેલાંથી જ અલગ અલગ જગ્યાએ શ્રાવણીયો જુગાર શરૂ થઇ ગયો છે. ત્યારે નરોડા પોલીસે બાતમીના આધારે હોટલ ક્રાઉનમાં રેડ પાડી શ્રાવણીયો જુગાર રમતા-રમાડતા હોટલ માલિક સહિત સાત આરોપીઓને ઝડપી લીધા છે. આ ઉપરાંત જાહેરમાં જુગાર રમતા સાત લોકોને પણ પોલીસે ઝડપી પાડ્યાં છે. આમ, એક દિવસમાં નરોડા પોલીસે 14 જુગારિયાને ઝડપી લીધા છે. ઝોન-4 ડીસીપી ડો. કાનન દેસાઇએ તેમના તાબાના પોલીસ મથકના કર્મચારીઓને દારૂ-જુગારની બદી અટકાવવા આદેશ જારી કર્યો છે. નરોડા પીઆઇ પી.વી. ગોહિલે તેમના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવા આપેલા આદેશ અનુસાર ગઇકાલે પોલીસ કોન્સ્ટેબલ વિશાલ દિલીપભાઇ, જનક પુંજાભાઇને બાતમી મળી હતી કે, હોટલ ક્રાઉનમાં માલિકના મેળાપીપણામાં બહારથી વ્યક્તિઓ બોલાવી જુગાર રમાડવામાં આવી રહ્યો છે. જેથી પોલીસે વોચ ગોઠવીને હોટલમાં રેડ કરી ત્યારે સાત વ્યક્તિને જુગાર રમતા પકડાઈ ગયા હતા. પોલીસે મોબાઇલ, રોકડ રકમ સહિત 53 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બીજી તરફ આ જ રીતે નરોડા મુઠિયા ગામના વાઘેલા સ્ટુડિયો સામે જાહેરમાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. ત્યાં જુગાર રમતા વધુ સાતને ઝડપી લીધા હતા. પોલીસને તેમની પાસેથી 11 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
