
સૌથી સલામત અને આરામદાયક મુસાફરી માટે રેલવેને પ્રાધાન્ય આપવામાં આવે છે, પરંતુ આ મુસાફરીમાં તસ્કરોનો આતંક પણ એટલો બધો વધી ગયો છે કે આરામદાયક-સલામત મુસાફરીની મજા માણવા જતા લોકો-મુસાફરોને પોતાના મોબાઈલ સહિતનો કિંમતી સામાન ચોરાઈ જવાની સતત ચિંતા સતાવે છે. રેલવેમાં છાશવારે પેસેન્જરોનો સામાન અને મોબાઈલ ચોરીની ઘટના બનાવા લાગી છે. આ ફરિયાદો વધતા હવે રેલવે પોલીસ હરકતમાં આવી છે.
CEIR પોર્ટલની મદદથી રેલવેમાંથી ચોરાયેલા મોબાઈલ ફોન ટ્રેકિંગમાં મૂકીને તેના મૂળ માલિકોને પરત કરવાની કવાયત શરૂ કરી છે. નોંધનીય છે કે, રેલવેના 14 પોલીસ સ્ટેશનમાં રોજે રોજ મોબાઈલ ચોરીની ફરિયાદો નોંધાતી રહે છે. રેલવે પોલીસ ચોરીના મોબાઈલ ફોનના IMEI નંબર સહિતની વિગતો CEIR પોર્ટલ પર અપલોડ કરીને સતત તેનું ટ્રેકિંગ કરી રહી છે. જેના પગલે ગત એપ્રિલથી 30 જૂન સુધીમાં રેલવે પોલીસને 107 મોબાઈલ ફોન શોધવામાં સફળતા મળી છે. આ તમામ ચોરીના મોબાઈલ ફોનના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.
પશ્ચિમ રેલવેમાં રોજ હજારો મુસાફરો મુસાફરી કરે છે ત્યારે પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ચોર અને લૂંટારુંઓને શોધવાની કામગીરી કપરી બની જાય છે. રેલવે પોલીસ માટે અમદાવાદથી લઈને છેક કચ્છ સુધીની સૌથી મોટી અને લાંબી હદ છે. પરિણામે, ઘણા રેલવે સ્ટેશન પરના પોલીસ મથકોની હાલત ઘણી દયનીય હોય છે. સામાન્ય રીતે રેલવેમાં તસ્કરી અને ચોરીના બનાવો મોટાભાગે અવાવરું જગ્યા પરથી જ્યારે ટ્રેન પસાર થતી હોય અથવા રાતના સમયે જ્યારે પેસેન્જરો ઊંઘમાં હોય તેવા સમયે જ બનતા હોય છે.
જ્યારે પેસેન્જર ઊંઘમાં હોય અને ઊઠે ત્યારબાદ પોતાના મોબાઈલ ફોન અથવા કોઈ કિંમતી સામાનની તપાસ કરે ત્યારે ખબર પડે છે કે તેમનો સામાન ચોરાઈ ગયો છે. કારણ કે, મોટાભાગના પેસેન્જરોને એ ખબર જ નથી પડતી કે તેમના સામાનની ચોરી ક્યારે અથવા ક્યા સ્ટેશને થઈ હશે. ઉલ્લેખનીય છે કે, મોબાઈલ ચોરીના કિસ્સામાં ગુજરાત રેલવે પોલીસ હદની માથાકૂટમાં નહીં પડીને મુસાફરોની ફરિયાદ તાત્કાલિક નોંધે છે. આ ઉપરાંત ભોગ બનનારને તેનો મોબાઈલ સત્વરે મળે તેવા પ્રયાસ કરાય છે. તેથી ગત એપ્રિલથી જૂનના એક જ મહિનામાં રેલવે પોલીસે 107 ચોરીના મોબાઈલ શોધી તેના મૂળ માલિકોને પરત આપ્યા છે.
એક એપ્રિલથી 30 જૂન સુધીની યાદી
1. અમદાવાદ રેલવે 31
2. ભાવનગર રેલવે 01
3. ધોળા રેલવે 05
4.ગાંધીગ્રામ રેલવે 14
5.જામનગર રેલવે 07
6.જેતલસર રેલવે 00
7. જુનાગઢ રેલવે 03
8.મહેસાણા રેલવે 02
9. પાલનપુર રેલવે 09
10.રાધનપુર રેલવે 01
11. રાજકોટ રેલવે 12
12. સાબરમતી રેલવે 07
13. સુરેન્દ્રનગર રેલવે 07
14. વિરમગામ રેલવે 08
કુલ 107