
છેલ્લા ઘણાં સમયથી મનપા વિસ્તારમાં રખડતાં ઢોરનો ત્રાસ ઓછો થઇ જવાથી વાહન ચાલકો અને ચાલતા જતા લોકો નાના મોટા અકસ્માતો થતાં નહી. પરંતુ છેલ્લા એકાદ માસથી મનપા વિસ્તારના છેવાડાના સેક્ટરોમાં રખડતાં ઢોર જોવા મળી રહ્યા છે. ઉપરાંત પેથાપુરના બસ સ્ટેન્ડ ખાતે રખડતાં ઢોરના અડિંગાથી વાહન ચાલકોને પારાવાર હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે. ત્યારે રખડતાં ઢોર ઉપર નિયંત્રણ કરવામાં આવે તેવી આશા સ્માર્ટસીટીના લોકો રાખી રહ્યા છે. રખડતાં ઢોર ઉપર નિયંત્રણ લાવવા માટે હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામા આવી રહ્યો છે. જોકે મનપા વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી રખડતાં ઢોરને લઇને નગરવાસીઓને રાહત જોવા મળતી હતી. પરંતુ છેલ્લા એકાદ માસથી નગરના છેવાડાના સેક્ટરોમાં રખડતાં ઢોર જોવા મળી રહ્યા છે. જોકે મનપા દ્વારા નગરના વિસ્તારમાં આવેલા તમામ ઢોરવાડાને દૂર કરવામાં આવ્યા હતા. તેમ છતાં રખડતાં ઢોર છેવાડાના સેક્ટરો જેવા કે સેક્ટર-27, સેક્ટર-26, સેક્ટર-28 સહિતમાં જોવા મળી રહ્યા છે. તેનાથી સૌથી ગંભીર સ્થિતિ પેથાપુરની બની રહી છે. કેમ કે પેથાપુરમાં બસ સ્ટેન્ડની પાસે જ રખડતાં ઢોરોના અડિંગાથી પસાર થતાં વાહન ચાલકોને પારાવારની હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે. જોકે પેથાપુરને પણ મનપા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતું રખડતાં ઢોરમાંથી પેથાપુરવાસીઓને હજુય છુટકારો મળ્યો નથી. ત્યારે રખડતાં ઢોર જે રીતે વીવીઆઇપી સેક્ટરો તેમજ વિસ્તારોમાં જોવા મળતા નથી. તેવી જ રીતે પેથાપુરની સાથે સાથે નગરના છેવાડાના સેક્ટરોમાંથી પણ રખડતાં ઢોરને દુર કરવામાં આવે તેવી આશા મનપા વિસ્તારના લોકો રાખી રહ્યા છે.