
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નના બે જવાબો આવતા હોવાથી ઉમેદવારોની મૂંઝવણ વધી હતી. આથી સાચા બે જવાબોમાંથી જે જવાબ ઉમેદવારે લખ્યો હોય તેના ગુણ આપવાની માગણી સાથે ઉમેદવારોએ ગૌણ સેવામાં લેખિત રજુઆત કરી છે. પ્રશ્નમાં બંધારણની અને રાજ્ય સરકારની જોગવાઇ તેવો કોઇ જ ઉલ્લેખ કરાયો નથી.
જૂનિયર ક્લાર્કની ભરતી કરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષામાં સ્થાનિક સરકારમાં મહિલાઓ માટે કેટલી બેઠકો આરક્ષિત રાખવામાં આવે છે. આ પ્રશ્નના જવાબ માટે ચાર વિકલ્પો આપવામાં આવ્યા હતા. તેમાં બે વિકલ્પો સાચા હોવા છતાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાની સુધારેલી આન્સર કીમાં એક જ જવાબનો ઉલ્લેખ કરાયો છે. જ્યારે પ્રશ્નના બે સાચા જવાબો હોવાથી બેમાંથી જે એક જવાબ ઉમેદવારોએ લખ્યો હોય તો તેને સાચો ગણીને તેના ગુણ આપવાની ઉમેદવારોએ ગૌણ સેવામાં લેખિત રજૂઆત કરી છે. ત્યારે ગૌણ સેવા દ્વારા લેવાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા અને બંધારણ અને પંચાયત રાજના નિષ્ણાંત કેયુર પટેલને મોબાઇલ સંપર્ક કરીને પૂછતાં તેમણે જણાવ્યું છે કે જો પ્રશ્નમાં ગુજરાત રાજ્ય કે બંધારણની જોગવાઇ તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો ઉમેદવારો માટે જવાબ શોધવો સરળ બની રહે. પરંતુ પ્રશ્નમાં જ સ્થાનિક સરકારમાં તેવો ઉલ્લેખ કરવાથી પંચાયત, નગરપાલિકા સહિતનો સમાવેશ થાય છે.
વધુમાં પ્રશ્નમાં કોઇ ભૂલ થઇ હોય તો નીચે આપેલા ચાર વિકલ્પમાંથી માત્ર એક જ સાચો વિકલ્પ આપવાથી ઉમેદલવારોને ખબર પડી જાય કે સાચો કયો જવાબ છે. પરંતુ પ્રશ્નમાં સ્થાનિક સ્વરાજનો ઉલ્લેખ કરીને ઉમેદવારોની મૂંઝવણમાં વધારો કર્યો છે.