
શહેરમાં મહિલાઓ સુરક્ષિત જોવા મળતી નથી. ચાર દિવસ પહેલા સરગાસણ ચોકડી પાસે યુવતીને માર મારવાનો બનાવ સામે આવ્યો હતો. જ્યારે તેના બે દિવસ પછી કોબા પાસે દીકરા સાથે ચાલતી જતી મહિલાના ગળામાંથી આશરે 91 હજારની કિંમતની ચેઇન ખેંચવામાં આવી છે. આ બનાવની ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ કલ્પનાબેન મુકેશકુમાર પટેલ (રહે, કોબા, શુભપાયોનિયર) ઘરકામ કરે છે. ત્યારે મહિલાનો દિકરો નજીકમાં આવેલી શાળામાં અભ્યાસ કરવા જાય છે અને બસમાં આવનજાવન કરે છે. ત્યારે બપોરના સમયે દિકરો શાળાની બસમાં આવતા તેને લેવા માટે ગઇ હતી અને દિકરાને લઇ કોબાના સર્વિસ રોડ ઉપર ચાલતી ચાલતી મહિલા ઘર તરફ આવી રહી હતી.
તે સમયે એક બાઇક ઉપર બે સ્નેચર્સ આવ્યા હતા અને મહિલાના ગળામાં પહેરેલી સોનાની પેંડલ સાથેની ચેઇન ખેંચી ભાગી ગયા હતા. ચેઇન ખેંચી લીધા પછી બંને સ્નેચર્સ કોબા સર્કલ તરફ ભાગી ગયા હતા. આ બનાવની મહિલાએ તેના પતિને જાણ કરતા દંપતી સીધુ જ ઇન્ફોસિટી પોલીસ મથક પહોંચ્યુ હતું અને બાઇક ઉપર આવીને આશરે 91 હજારની સોનાની ચેઇન સ્નેચીંગ કરનાર સામે ગુનો નોંધાવતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી. પોલીસે કોબા તરફના રૂટ ઉપર લાગેલા સીસીટીવી ફંફોસવાની તજવીજ હાથ ધરી હતી. શહેરમાં ધોળા દિવસે ભરચક વિસ્તારમાંથી મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચીંગના બનાવો સામે આવતા એકલ દોકલ ફરતી મહિલાઓ ફફડી ગઇ છે.