
ગાંધીનગર શહેરના સેક્ટર 15 સ્થિત ફતેપુરા પાસે સાઇકલ લઇને જઇ રહેલા વૃદ્ધને પાછળની ક્રેનના ચાલકે ટક્કર મારી હતી. જેમાં સાઇકલ ચાલક વૃદ્ધનુ મોત થયુ હતુ. આ બનાવની સેક્ટર21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ શહેરના સેક્ટર 14 સ્થિત ગોકુલપુરામાં રહેતા આશરે 58 વર્ષિય બબાભાઇ રામજીભાઇ રબારી તેમના ભાઇ, ભત્રીજા સાથે રહેતા હતા. ત્યારે આજે રવિવારે બપોરના આશરે 12થી 12:30ના અરસામાં સાઇકલ લઇને જઇ રહ્યા હતા. તે સમયે ફતેપુરા ગામમાં આવેલા ચામુંડા માતાજીના મંદિર નજીક પહોંચતા એક ક્રેન નંબર જીજે 24 સીક્યુ 1741ના ચાલકે સાઇકલ લઇને જઇ રહેલા બબાભાઇને પાછળથી ટક્કર મારી હતી. જેમાં બબાભાઇ સાઇકલ ઉપરથી નીચે પટકાતા ક્રેન ચાલકે તેમના ઉપરથી વાહર પસાર કરી દીધુ હતુ. આ બનાવ બાદ આસપાસમાંથી લોકો બચાવવા દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બબાભાઇને ગાંધીનગર સિવિલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.