કાંતિ અમૃતિયાની રાજુભાઈ સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, રાજકીય ડ્રામામાં આવ્યો નવો વળાંક

Spread the love

 

એકતરફ મોરબીની જનતા વરસાદ બાદ શહેરના બિસમાર રસ્તાઓ અને ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત છે. આ જ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આ વિરોધના જવાબમાં મોરબીથી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાને પડકાર ફેંક્યો હતો કે મોટી મોટી વાતો કરનારા ગોપાલ ઈટાલિયા મોરબીમાં ચૂંટણી જીતી બતાવે.

જો ગોપાલ ઈટાલિયા જીતે તો 2 કરોડ રૂપિયા આપવાની પણ અમૃતિયાએ વાત કરી.
આ તરફ ગોપાલ ઈટાલિયાએ પણ કાંતિ અમૃતિયાને ચેલેન્જનો સ્વીકાર કર્યો અને કહ્યુ કે જો તે શુરા હોય તો હવે બોલ્યા બાદ ન ફરે. જે બાદ કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટલિયાને જણાવ્યુ કે તેઓ સોમવારે વિધાનસભા આવે, અધ્યક્ષની હાજરીમાં રાજીનામુ આપીશ. આ તમામ ઘટનાક્રમ વચ્ચે કાંતિ અમૃતિયા આજે 100 જેટલી ગાડીઓ સાથે ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા. જ્યાં તેઓ 12:30 વાગ્યા સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોયા બાદ રાજીનામું આપ્યા વિના વિધાનસભાથી નીકળી ગયા હતા. આ ઘટનાક્રમને પગલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ વિધાનસભા પહોંચ્યા હતા. અંતે રાજીનામાના ઘટનાક્રમનો અંત આવ્યો.

જો કે હવે કાંતિ અમૃતિયાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમા તેઓ ફોન પર કોઈ રાજુભાઈ નામની વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે. જેમા તેઓ જણાવી રહ્યા છે કે હું કાલે ગાંધીનગર જઈશ રાજીનામુ દેવા માટે પણ દેવાનું નથી વટ માટે ..એટલે તમારે જેટલા થાય એટલાએ આવવાનું છે, ચૂંટણી નથી આવવાની પણ આવવાનું છે.

આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ સમગ્ર ઘટનામાં એક અલગ જ વળાંક આવી ગયો છે અને વિરોધ પક્ષોને તેમના પર પ્રહાર કરવાનો વધુ એક મોકો મળી ગયો છે. હાલ કાંતિ અમૃતિયા સામે સ્થાનિક લેવલે બે મોટા પડકાર છે. જેમા કોંગ્રેસ અને આપ તો તેમનો વિરોધ કરે છે પરંતુ ભાજપન જ અજય લોરિયા દ્વારા અમૃતિયાનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ જે ઓડિયો ક્લિપ સામે આવી છે પણ લોરિયાના અનુસંધાને જ છે. કારણ કે રોડ રસ્તાના કામ મુદ્દે મોરબીમાં વિરોધ થયો હતો ત્યારબાદ વિરોધને શાંત કરવા માટે લોરિયાએ કહ્યુ હતુ કે જો મહાનગરપાલિકા આ રસ્તાનું રિપેર કામ નહીં કરાવે તો તેઓ પોતાના સ્વખર્ચે આ રસ્તાનું રિપેર કામ નાખશે અને તેને લઈને જ કાંતિ અમૃતિયાને નીચા દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેની સામે કાંતિ અમૃતિયાના સમર્થકો દ્વારા એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. તેની શાબાશીના ભાગરૂપે અમૃતિયાએ આ કાર્યકર્તાને ફોન કર્યો હતો અને સમગ્ર મામલો સામે આવ્યો છે. હાલ તો ધારાસભ્યોની ચેલેન્જ વોરનો તો અંત આવ્યો છે પરંતુ આગામી દિવસોમાં મોરબીના વિકાસ કામો થશે કે કેમ તે મહત્વપૂર્ણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *