અમદાવાદ, સુરત, રાજકોટ સહિત 15 જગ્યાએ આયકર વિભાગ ત્રાટક્યું, ખોટી રીતે TDS અને કર માફીનો લાભ મેળવનાર સામે કાર્યવાહી

અમદાવાદ
ખોટી રીતે TDS મેળવવા અને કર માફીના લાભ મેળવવા બદલ આયકર વિભાગે ગુજરાતમાં કુલ 15 સ્થળોએ એકસાથે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. ખોટા ITR ફાઈલ કરનારા તમામને ITR રીવાઈઝ રીટર્ન ફાઈલ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. આ દરોડાનો વેપારીઓમાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો. ખોટી રીતે TDS મેળવવા અને ખોટી રીતે કર માફીના લાભ મેળવતા હોવાની હકીકતને ધ્યાનમાં લઈને આવકવેરા વિભાગે આજે અમદાવાદમાં 3, સુરતમાં 4, અંકલેશ્વરમાં 1, વાપી 1, પાટણમાં 2, ભરૂચમાં 1, રાજકોટમાં 1, ગોંડલમાં 1, ધોરાજી અને મહિસાગરમાં મળીને કુલ ગુજરાતમાં 15 જગ્યાએ સાગમટે દરોડા પાડયા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટેક્સ પ્રેક્ટીશનર્સ મારફતે ઈન્કમટેક્સ રિટર્ન (ITR)માં ખોટી માહિતી જાહેર કરીને ઈન્કમટેક્સની જોગવાઈનો દુરપયોગ કરીને કરકપાત માટે જંગી રકમનો ક્લેઈમ કરનારા અને કર માફીનો ગેરલાભ લેનારાની વિગતો એકત્રિત કરીને આવકવેરા વિભાગે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ વ્યાપક દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકારે ખોટા ITR ફાઈલ કરનારા તમામને ITR રીવાઈઝ રીટર્ન ફાઈલ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.