
અમદાવાદ
વર્ષ 2021માં શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે 6 આરોપીઓ કેશાજી ભીલ, જ્યોત્સનાબેન ભીલ, કમલેશ ભીલ, સુરેશ ભીલ, ચેતન ભીલ, અને મનીષ મીણા સામે રીતિકની હત્યાનો ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ આરોપીઓને આજીવન કારાવાસની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે સજા જાહેર કરતા 17 સાહેદ અને 52 દસ્તાવેજી પુરાવાઓ ધ્યાનમાં લીધા છે. ઝઘડો માત્ર અસારવા વિસ્તારમાં આવેલા ગોવાજીના છાપરા ખાતે જોગણી માતાના મંદિર પાસે બેસવાનો હતો. સાહેદના જણાવ્યા મુજબ આરોપી દારૂનો ધંધો કરતા હતા. જેથી તે કોઈને ત્યાં બેસવા દેતા નહોતા. જ્યારે મૃતકનો પરિવાર મોટાભાગે લોડીંગ રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન કરતા હતા. બેસવા બાબતે થયેલા ઝઘડામાં પૂર્વગ્રહ રાખીને ફરિયાદીના દીકરાને ઉપરોક્ત આરોપીઓએ ભેગા મળીને ઘાતક હથિયારો વડે માર માર્યો હતો. ફરિયાદી પરિવારને તેમના દીકરા રિતિકનો ઝઘડો થઈ રહ્યો હોવાનું સ્થાનિકે આવીને જણાવ્યું હતું. રીતિકને ગંભીર ઇજાઓ પહોંચાડી આરોપીઓ ભાગી ગયા હતા. ઘાયલને 108 એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેને મૃત્યુ હતું. આ કેસમાં આંખો દેખ્યા સાક્ષીઓ પણ હતા. તેમજ મેજિસ્ટ્રેટ સમક્ષ સાહેદોનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ મૃતકને 19 ઘા મારવામાં આવ્યા હતા. પોલીસે હથિયારોની રિકવરી કરી હતી.