
ગુજરાત હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ હીઅરિંગમાં ટોયલેટમાંથી ઓનલાઈન જોડાવા બદલ ગુજરાત હાઈકોર્ટે અબ્દુલ સમદને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, ગરીબ હોવાથી હાઈકોર્ટના ધજાગરા ઉડાવી શકાય નહીં. ગુજરાત હાઇકોર્ટે અબ્દુલ સમદ સામે કન્ટેમ્પ અરજી દાખલ કરી હતી. રજીસ્ટ્રીને આ કેસમાં રિપોર્ટ રજૂ કરવા હુકમ કરતા આજે( 14 જુલાઈ) આ કેસમાં સુનવણી થતા હાઇકોર્ટે કહ્યું હતું કે તેઓ અબ્દુલ સમદને જેલમાં મોકલીને એક લાખ રૂપિયા દંડ કરવા ઈચ્છે છે. હાઇકોર્ટમાં કેવી રીતે હાજર થવું તેવી તેને ખબર છે કે કેમ ? હાઇકોર્ટે અબ્દુલ સમદના વકીલને પણ તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે કેમ તેની પૂછા કરી હતી.
20 જૂને સુનાવણી દરમિયાન અબ્દુલ સમદ ટોયલેટમાંથી ઓનલાઈન જોડાયો હતોઃ
અબ્દુલ સમદે હાઇકોર્ટની બિનશરતી માફી માગી હતી. જેથી હાઇકોર્ટે કહ્યું હતું કે માફી માંગવાથી ભૂલ માફ થઈ જતી નથી. અબ્દુલ સમદ 20 જૂનના રોજ જજ નિર્ઝર દેસાઈની કોર્ટમાં જ્યારે 64 નંબરની નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ સંલગ્ન એક અરજી ઉપર સુનાવણી ચાલી રહી હતી. ત્યારે સ્ક્રીન ઉપર અબ્દુલ સમદ ટોયલેટમાં હોવાનું અને શારીરિક ક્રિયા કરતો હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યું હતું. તે પ્રોસિડિંગમાં 74 મિનિટ જોડાયો હતો. હાઇકોર્ટે IT વિભાગના રજિસ્ટ્રાર પાસેથી પણ આવી ઘટનાઓને રોકવા માટે શું મિકેનિઝમ વાપરી શકાય તેનો રિપોર્ટ માગ્યો હતો. જો કે તે રિપોર્ટ રજૂ ન થતા હાઇકોર્ટ IT રજીસ્ટ્રારને પણ નોટિસ આપવામાં આવી હતી. IT રજીસ્ટ્રારના જવાબની રાહ જોવાનું હાઇકોર્ટે યોગ્ય માની, અબ્દુલ સમદને આગામી 22 જુલાઈ સુધીમાં 01 લાખ રૂપિયા દંડ ભરી દેવા જણાવ્યું હતું.
બે અરજદારોએ પોતાની સામે થયેલી ફરિયાદ રદ કરવા અરજી કરી હતીઃ
કેસને વિગતે જોતા ગુજરાત હાઇકોર્ટમાં બે અરજદારોએ પોતાની સામે થયેલી ફરિયાદ રદ કરવા અરજી કરી હતી. જે 20 જૂન, 2025 ના રોજ જજ નિર્ઝર દેસાઈની કોર્ટમાં ઉપસ્થિત થઈ હતી. આ કેસમાં કાર્યવાહી પહેલા જ ફરિયાદી અબ્દુલ સમદ પોતાના ફોનથી હાઇકોર્ટમાં ઓનલાઇન જોડાયો હતો. જેને યુ ટ્યુબ ઉપર જોઈ શકાતો હતો. અબ્દુલ સમદ સુરતનો રહેવાસી છે. જે બેટરી અને ઇન્વેટરનું કામ કરે છે. તે નમાઝ પઢવા કિમ રેલવે સ્ટેશન પાસે આવેલ જુમ્મા મસ્જિદમાં ગયો હતો. ત્યારે દરવાજો ખોલતા એક આરોપીને દરવાજો વાગી જતા, આરોપી અને તેના ભાઈએ બંને મળીને અબ્દુલ સમદને ગાળો આપી હતી અને માર મારીને ફરી તેને મસ્જિદમાં નમાજ નહીં પઢવા આવવા ધમકી આપી હતી.
આ મુદ્દે અબ્દુલ સમદે સુરતના કીમ પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થતા આરોપીઓએ પોતાની સામેની ફરિયાદ રદ્દ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે કોઈ ફરિયાદ રદ કરવાની હોય ત્યારે હાઇકોર્ટ ફરિયાદીની મરજી જાણવા પૂછે છે કે શું તે આ ફરિયાદ રદ્દ કરવા માંગે છે ? જેથી જવાબ આપવા અબ્દુલ સમદ ઓનલાઈન હાઇકોર્ટમાં જોડાયો હતો. પરંતુ તેની અરજી ઉપર સુનવણી યોજાય તે પહેલા જ કોર્ટ રૂમમાં તેને લાઈવ પ્રવેશ કર્યો હતો. આ લાઈવ વીડિયોમાં તેને ટોયલેટમાં જઈને કુદરતી શારીરિક ક્રિયાઓ કરી હતી તે તમામ પ્રક્રિયા યુ ટ્યુબ પ્રસારણ ઉપર લાઈવ ગઈ હતી.
બિયર મગર સાથે ઓનલાઈન સુનાવણીમાં જોડાયેલા વકીલે બિનશરતી માફી માગીઃ
બીજી તરફ ઓનલાઇન પ્રોસિડિંગમાં હાજર થયેલા સિનિયર વકીલે ભાસ્કર તન્ના બિયર મગ સાથે જોવા મળ્યા હતા. તેમની સામે પણ કન્ટેમ્પ અરજી દાખલ કરવામાં આવી હતી. તેમને પણ આજે કોર્ટ સમક્ષ બિનશરતી માફી માગી હતી અને પોતાનો જવાબ ફાઈલ કર્યો હતો. જેનો જવાબ હવે હાઇકોર્ટ વતી કોર્ટ મિત્ર આપશે. સિનિયર એડવોકેટિંગ ઓનલાઇન જોડાવાની પ્રક્રિયામાં ટેકનીકાલીટી ઉપર કોર્ટનું ધ્યાન દોર્યું હતું અને યોગ્ય સુધારો કરવા સૂચન કર્યું હતું. આ મુદ્દે વધુ સુનાવણી 22 જુલાઈના રોજ યોજાશે.