
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા ગુજરાત વક્ફ બોર્ડ સંચાલિત કાચના મસ્જિદ ટ્રસ્ટમાં ગેરકાયદે રીતે વહીવટ કરી કરોડો રૂપિયાનું કૌભાંડ સલીમખાન જુમ્માખાન પઠાણ કરાયું હોવાનું બહાર આવ્યું છે. આરોપી સલીમખાન જુમ્માખાન પઠાણના જમાલપુરમાં આવેલા સના 7 નામનું ગેરકાયદે બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યું છે. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આજે 14 જુલાઈના રોજ પોલીસ-બંદોબસ્ત વચ્ચે 9 માળના ગેરકાયદે બાંધવામાં આવેલા બિલ્ડિંગને તોડી પાડવામાં આવ્યું છે. સવારે કોર્પોરેશનનો સ્ટાફ અને ફાયરબ્રિગેડ પહોંચી ગયાં હતાં. પોલીસ-બંદોબસ્તમાં પોલીસ પછી આવતાં કામગીરી મોડી શરૂ થઈ હતી.
જમાલપુર કાચના મસ્જિદ ટ્રસ્ટમાં સલીમખાન જુમ્માખાન પઠાણ નામના આરોપી દ્વારા ગેરકાયદે રીતે જગ્યા અને વહીવટ કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હતું, જે કેસમાં તેના વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હતો અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ કેસમાં ED દ્વારા પણ જમાલપુર કાચના મસ્જિદ ટ્રસ્ટ અને સના 7 બિલ્ડિંગ ખાતે દરોડા પાડીને તપાસ કરવામાં આવી હતી. આરોપી સલીમખાન પઠાણ દ્વારા જમાલપુર કાચની મસ્જિદની સામેના ભાગે સના 7 નામના ગેરકાયદે બિલ્ડિંગ ઊભું કરી દેવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બિલ્ડિંગને નોટિસ આપીને સીલ મારવામાં આવ્યું હતું.
આરોપી સલીમખાન પઠાણ દ્વારા નોટિસ અને સીલ માર્યું હોવા છતાં પણ ગેરકાયદે બાંધકામ કરીને ફ્લેટ લોકોને ભાડે આપી દેવામાં આવ્યા હતા. આખરે આ મામલે કોર્ટ કાર્યવાહી કરવામાં આવી હતી. બિલ્ડિંગમાં 8 માળ ઉપરાંત એક પેન્ટહાઉસ પણ બનાવવામાં આવ્યું હતું. આ મકાનો સલીમખાન પઠાણ દ્વારા મોટા ભાગનાં મકાનો ભાડે આપવામાં આવ્યાં હતાં, જેમાં 1 બીએચકેના 5000થી 6000, જ્યારે 2 bhk 8000થી 9000 રૂપિયા ભાડું લેવામાં આવતું હતું. ફ્લેટમાં રહેતા રહીશોને ખ્યાલ પણ નહોતો કે ઇમારત ગેરકાયદે છે. આ બિલ્ડિંગમાં રહેતા કેટલાક લોકોએ તો બિલ્ડર દ્વારા દસ્તાવેજ કરાવી આપ્યા હોવાનું પણ જણાવ્યું હતું. જમાલપુર વિસ્તારમાં આસ્ટોડિયા દરવાજા નજીક રંગવાળી ચાલી પાસે વર્ષ 2019માં સના સેવન નામના 9 માળના ગેરકાયદે બિલ્ડિંગ બાંધવાની શરૂઆત થઈ હતી. એ બિલ્ડિંગ ત્રણ વર્ષમાં બનીને તૈયાર થઈ ગયું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા અવારનવાર નોટિસ આપી સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી છતાં પણ બાંધકામ કરી બિલ્ડિંગ બનાવી દેવામાં આવ્યું હતું. આ મામલે કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈપણ પ્રકારનો સ્ટે આપવામાં આવ્યો નથી.
આ બિલ્ડિંગને 11 સપ્ટેમ્બર, 2019માં પહેલી નોટિસ આપી હતી. ત્યાર બાદ 11 જાન્યુઆરી, 2021માં વપરાશ બંધ કરી બિનપરવાનગીનું બાંધકામ હોવાથી ખાલી કરવા અંગેની છેલ્લી નોટિસ આપી હતી. એ બાદ ગુજરાત હાઇકોર્ટમાં બાંધકામને લઈને દાવો થયો હતો, જોકે ત્યાર બાદ કોઈ કાર્યવાહી થઈ નથી, કોઈપણ પ્રકારનો સ્ટે આપવામાં આવ્યો નહોતો. 6 મે, 2025ના રોજ વહેલી સવારથી અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સૌદાગર બિલ્ડર્સ નામે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરનારા એવા ગુનેગાર સલીમ જુમ્માખાન પઠાણનાં અલગ-અલગ સ્થળો પર ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જમાલપુર કાચની મસ્જિદ, સના 7 બિલ્ડિંગ, ખેડા ખાતેના ફાર્મહાઉસ સહિત અલગ-અલગ જગ્યાએ સર્ચ-ઓપરેશન કરવામાં આવ્યું છે. સલીમ જુમ્માખાન પઠાણ દ્વારા વક્ફ બોર્ડની જમીન પર કોર્પોરેશનને ભાડે આપેલી જગ્યામાં ગેરકાયદે દબાણ કરી દેવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાની મિલકતો અને પૈસા પડાવી લેવામાં આવ્યા હતા, જેના પગલે આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે સલીમખાન સાથે સંકળાયેલા તેમના સંબંધીઓના ત્યાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણના કાકા શરીફખાન પઠાણના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે.


