અમદાવાદ શહેરમાં હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ચાંદખેડામાં બે દિવસમાં બે હત્યાના બનાવ બાદ ગઇકાલે સરસપુરમાં નાના ભાઇએ મોટા ભાઇની ઘાતકી હત્યા કરીને ફરાર થઇ ગયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરખર્ચના રૂપિયા માટે છેલ્લા ઘણા સમયથી બે ભાઇઓ વચ્ચે કંકાસ ચાલી રહ્યો હતો. કંકાસનો અંત એવો આવ્યો કે, એક ભાઇનું મોત થયું છે જ્યારે બીજા ભાઇને જેલમાં જવાના દિવસો આવી ગયા છે. નાના ભાઇએ મોટા ભાઇને બેટના ફટકા માર્યા હતા જેમાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું છે. ભાઇનો ઝઘડો શાંત કરવા માટે પડોશીઓ વૃદ્ધ માતાને તેમના ઘરે લઇ ગયા બાદ લોહીયાણ ખેલ ખેલાયો હતો. સરસપુર વિસ્તારમાં આવેલા તુલસીદાસ સ્લમ ક્વોટર્સના ત્રીજા માળે રહેતી બીટ્ટીબેન રાજબહાદુરસિંહ કુશ્વાહે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં તેના દીકરા અશ્વિનસિંહ કુશ્વાહ વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. બીટ્ટીબેનને સાત દીકરા અને દીકરી છે. જેમાંથી બે દીકરા કનૈયાલાલ અને અશ્વિનસિંહ તેમની સાથે રહે છે જ્યારે બીજા દીકરા પત્નિ, બાળકો સાથે શહેર વિવિધ જગ્યા પર રહે છે. કનૈયાલાલ અને અશ્વિનસિંહ કોઇ કામધંધો કરતા નથી અને રૂપિયાના મામલે અવારનવાર બબાલ કરે છે. ઘરવપરાશના પૈસા મામલે બન્ને ભાઇઓને રોજ બબાલ થતી હતી. શનિવારની રાતે બીટ્ટીબેન બે દીકરા સાથે ઘરે હાજર હતી ત્યારે બબાલ થઇ હતી. કનૈયાલાલ અને અશ્વિસિંહે ઘર ખર્ચના પૈસા બાબતે ઝઘડો થયો હતો. બીટ્ટીબેન બન્નેનો ઝઘડો શાંત કરાવવા માટે વચ્ચે પડ્યા હતા. બીટ્ટીબેને બન્નેને સમજાવીને સુવાડી દીધા હતા. ગઇકાલે સવારે પણ બબાલ થઇ હતી જે હત્યામાં પરિણમી હતી.
ગઇકાલે સવારે બન્ને ભાઇઓ ઘરે હાજર હતા ત્યારે ઘરખર્ચ કરવા મામલે ફરીથી ઝઘડો શરૂ કર્યો હતો અને વાત એટલે હદ સુધી આવી કે બન્ને મારમારી કરવા લાગ્યા હતા. દરમિયાનમાં અશ્વિને તેના મોટાભાઇ કનૈયાલાલને મારવા માટે બેટ હાથમાં લીધું હતું. બીટ્ટીબેને અશ્વિસિંહને રોકી લીધો હતો અને બુમાબુમ કરીને પડોશીઓને બોલાવી લીધા હતા. બીટ્ટીબેન અને ઝઘડાનો અવાજ સાંભળીને પડોશીઓ આવી પહોચ્યા હતા અને બન્ને ભાઇઓને ઝઘડો નહીં કરવા માટે સમજાવ્યા હતા. પડોશીઓ બીટ્ટીબેનને તેમના ઘરે લઇ ગયા હતા જ્યારે અશ્વિન અને કનૈયાલાલ ઘરે એકલા હતા. બન્ને જણ એકલા હોવાથી તેમણે ફરી બબાલ શરૂ કરી હતી. બન્ને દીકરાનો અવાજ સાંભળીને બીટ્ટીબેન દોડીને પોતાના ઘરે ગયા હતા જ્યાં તેમણે જોયું તો કનૈયલાલ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યો હતો. જ્યારે બીજો દીકરો અશ્વિન દોડીને ભાગી ગયો હતો, બીટ્ટીબેને નજીક જઇને જોયું તો કનૈયાલાલ બેભાન હાલતમાં હતો અને તેના માથાના ભાગે અને કાનના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જ્યારે છાતીના ભાગે ચામઠા પડી ગયા હતા. અશ્વિને કનૈયાલાલ પર બેટ વડે હુમલો કરીને લોહીલુહાણ કરી દીધો હતો. બીટ્ટીબેનના ઘરમાં લોહીથી ખરડાયેલું બેટ પણ પડ્યું હતું. કનૈયલાલની હાલત જોતાની સાથેજ બીટ્ટીબેને બુમાબુમ કરી હતી અને અડોશ પડોશના લોકોને બોલાવી લીધા હતા. પડોશીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી દીધી હતી. એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે આવીને કનૈયાલાલને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતાં. જ્યા ટુંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. તો બીજી તરફ શહેરકોટડાની ટીમ પણ ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને બીટ્ટીબેનની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધીને તપાસ આદરી છે. પોલીસે ઘટના સ્થળેથી લોહીથી ખરડાયેલું બેટ કબજે કર્યુ છે.