
આજે ગુજરાત વિધાનસભા ખાતે પ્રેસ યોજીને વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ રાજ્યની સત્તારૂઢ ભાજપ સરકાર પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. તેમણે GIDC (ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન)માં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડો, પદ્ધતિસરના કમિશન રાજ અને અધિકારીઓના ભ્રષ્ટાચાર અંગેની વિગતવાર માહિતી આપી હતી.
તેઓએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપના શાસનમાં જે રીતે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ચુક્યો છે, કમિશન રાજ ચાલે છે, કોઈની પણ શેહ, શરમ કે ડર વિના સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદથી, મીલીભગતથી ખુલ્લેઆમ પ્રજાના ટેક્સના પૈસાની લૂંટ ચલાવવામાં આવી રહી છે. એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે. નલ સે જલ યોજનામાં કરોડોનું કૌભાંડ, મનરેગામાં કરોડોનું કૌભાંડ, જમીનના કરોડોના કૌભાંડ અને લાખો નહિ પણ કરોડોથી ઓછું કૌભાંડ ગુજરાતમાં દેખાય નહિ એવી રીતે ચાલી રહ્યું છે.
GIDCમાં પહેલા પણ અનેક કૌભાંડો બહાર આવી ચુક્યા છે, ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં છે. ઔદ્યોગિક વિકાસના નામે પોતાના ખિસ્સા ભરવાની એક વ્યવસ્થિત પદ્ધતિથી GIDCમાં નેટવર્ક ચાલે છે. જૂન મહિનામાં ઓડિટ વિભાગ દ્વારા પ્રિન્સિપલ એકાઉન્ટ જનરલના ઓડિટ રિપોર્ટની પ્રાથમિક કોપી સબ્મીટ કરવામાં આવી છે. GIDCમાં જે ટેન્ડરો થાય છે એમાં જે રકમ નક્કી થાય, કોન્ટ્રકટ અપાય અને ત્યારબાદ કરોડો રૂપિયાની રકમ એક્સ્ટ્રા એક્સેસ તરીકે ચૂકવવામાં આવે છે. ઓડિટ રિપોર્ટમાં ગંભીર ક્ષતિ ધ્યાનમાં આવી છે, તે મુજબ લગભગ 35 કરોડ રૂપિયાના કામ કોઈપણ જાતના ટેન્ડર વગર માનીતી એજન્સીને આપી દેવામાં આવ્યા છે.
ઓડિટમાં એ પણ પેરો કાઢ્યો છે કે, માનીતી કંપનીઓને લાભ કરાવવા માટે ટેન્ડરમાં શરતો સુધારવામાં આવી છે, કંપની દ્વારા ખોટી માહિતી આપવા છતાં એને સુધારીને ચોક્કસ કંપનીને લાભ કરાવવામાં આવ્યો છે. ખાસ કરીને FMGને ટેસ્ટીંગ માટેની રકમ જે-તે એજન્સી પાસેથી વસૂલવાની હોય એવી લગભગ 3.50 કરોડ જેટલી રકમ નહિ ચૂકવીને કંપનીને ફાયદો કરાવવામાં આવ્યો છે. કેટલીક જગ્યાએ એર પોલ્યુશનને લગતા સાધનો ફીટ કરવાના હતા. ખાસ કરીને દહેજ અને વાપી વિસ્તારમાં સાધનો ફીટ કર્યા સિવાય એના સર્ટીફિકેટ વગર લગભગ 6.50 કરોડ રૂપિયા બારોબાર ચૂકવી દેવામાં આવ્યા છે.
પહેલેથી ટેન્ડર નક્કી થયું હોય કે, ઉપભોક્તા માટે વસ્તુઓ એટલે કે ટેન્ડરની જે એજન્સી છે એણે પૂરી પડવાની હોય પણ પાછળથી શરતો સુધારી એનો ખર્ચ પણ GIDC દ્વારા કરવામાં આવ્યો. લગભગ 3.50 કરોડ કરતા વધારેની રકમનો એજન્સીઓને ફાયદો કરાવવામાં આવ્યો છે. પ્રાથમિક અહેવાલ જોઈએ તો 60 કરોડ રૂપિયા જેટલી રકમ GIDCને ચોક્કસ અધિકારીઓ દ્વારા ચૂનો ચોપડવામાં આવ્યો છે, ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, મને એક જાગૃત નાગરિક દ્વારા પુરાવારૂપે ફરિયાદ મળી છે કે, ચોક્કસ અધિકારીઓની એક સિન્ડીકેટ ચાલે છે, જે વ્યવસ્થિત રીતે કરોડો રૂપિયાનું કૌભાંડ કરે છે. GIDCના ચીફ એન્જિનિયર રમેશ ભગોરાનો કાર્યકાળ ખૂબ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે. નોકરીની શરૂઆતથી લઇ લાયકાત ધરાવતા ન હોવા છતાં અનેક પ્રમોશનો મળ્યા, અનેક જગ્યાનો વધારાનો એમને ચાર્જ સોંપવામાં આવ્યો, લાયકાત સિવાય ચીફ એન્જિનિયર બનાવવામાં આવ્યા અને નિવૃતિ પછી પણ એક્સટેન્શન આપવામાં આવ્યું. જેની ફરિયાદો અને વિગતો મળી છે તે મુજબ એમના કાર્યકાળ દરમિયાન 150 કરોડ રૂપિયા જેટલી રકમના એક્સ્ટ્રા એક્સેસના બિલ ચૂકવવામાં આવ્યા છે.
કોઈપણ ડિપાર્ટમેન્ટમાં કોઈ કોન્ટ્રકટર હોય એ કોઈ એક્સ્ટ્રા એક્સેસ માટેનું બિલ લઈને જાય તો વિભાગમાં ક્લીયર કરાવતા મહિનાઓ નીકળી જાય પણ અહિયાં જે વિગતો આપવામાં આવી છે, તે મુજબ ભગોરાના સમયગાળામાં એક્સ્ટ્રા એક્સેસના બિલ ગણતરીના દિવસોમાં ક્લીયર થયા છે અને એ પણ એવો સમયગાળો હતો જયારે નિવૃત્તિના સમયગાળામાં ખૂબ ઝડપથી 150 કરોડ જેટલી રકમના બિલ ચૂકવવામાં આવ્યા છે. આ સાથે એમના માનીતા અધિકારીઓને અનેક જગ્યાએ પોસ્ટીંગ આપવામાં આવ્યું, એમની વાતમાં ખોટું કરવામાં જે અધિકારીઓ સંમત ન થયા એવા લોકોને સાઈડમાં મૂકવામાં આવ્યા.
એમની વિરુદ્ધ એમના વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ફરિયાદ કરી તેમ છતાં કોઈ પગલા ના લેવાયા. કોઈને પૂછ્યું કે, આમની સામે કેમ પગલા લેવાતા નથી? તો કહે કે એમને ચૂંટણીઓ હોય તો કેટલાક જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવે છે કે, આટલા જિલ્લાઓમાં ચોક્કસ લોકોને આટલું ચૂંટણી ફંડ પહોંચાડવાનું છે અને એના કારણે એમને ઉપરથી ચાર હાથ હોય, આશીર્વાદ હોય એના કારણે ખુલ્લેઆમ એમના સમયમાં ભ્રષ્ટાચાર થયો છે. જયારે ઓડિટે પણ ચોખ્ખા પેરા મારફતે ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે, ત્યાંના જાગૃત નાગરિકોએ પણ વિગતવાર માહિતી આપી છે અને જયારે જૂન મહિનામાં ઓડિટ થયું એમાં પેરામાં 60 કરોડની સીધી ગેરરીતિની વિગતો આપવામાં આવી છે તેમછતાં આ કોઈનાથી ડરતા નથી.
વધુમાં ચાવડાએ જણાવ્યું કે, પહેલી જુલાઈના રોજ ફરી એક ટેન્ડરમાં 30 કરોડ રૂપિયા કરતા વધારે રકમનું એક્સેસ ચૂકવણું કરવામાં આવે છે. એનો સ્પષ્ટ મતલબ છે કે, કોઈના ડર વગર ઉપરના આશીર્વાદથી આવા અધિકારીઓ અને બાકી લોકોના મેળાપીપણાથી ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે ત્યારે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે, બહુ પ્રમાણિકતાથી ઓપરેશન ગંગાજળની વાત કરો છો, માન. મુખ્યમંત્રી સરપંચ સંમેલનમાં નવા ચૂંટાયેલા સરપંચોને સલાહ આપે છે કે ભ્રષ્ટાચાર કરતા નહિ, કોઈની વાતોમાં આવતા નહિ, નહિ તો છોડવામાં નહિ આવે તો મુખ્યમંત્રીને કહેવું છે કે, તમારા રાજમાં GIDCના અધિકારીઓ અને મળતિયાઓ છે એમના દ્વારા કરોડોનું ખોટું થઇ રહ્યું છે.
ઓડિટે પેરા કાઢ્યા છે તો છેલ્લા પાંચ વર્ષમાં GIDCમાં જેટલા પણ ટેન્ડરો થયા છે એ તમામ ટેન્ડરોમાં એક્સ્ટ્રા એક્સેસ તરીકે લગભગ 150 કરોડ રૂપિયાના જે વધારેના ચૂકવણા થયા છે એની તપાસ થવી જોઈએ. સાથોસાથ જેટલા પણ કામ થયા છે એમાં આક્ષેપ છે કે, સ્થળ પર કામ થયા નથી, મશીનો લાગ્યા નથી તેમછતાં ચૂકવણું કરવામાં આવ્યું છે તો એક તપાસ સમિતિ બનાવી આ તમામ કામોની તપાસ થવી જોઈએ. જયારે એક્સ્ટ્રા એક્સેસ બિલ ચૂકવવાનું હોય તો અમુક રકમથી વધારાનું બિલ થાય તો ચીફ એન્જિનિયરને પણ સત્તા હોતી નથી, એના માટે એમણે મંજુરી લેવાની થાય છે, નાણાં વિભાગમાં મંજુરી લેવાની થાય છે, કોઇપણ મંજુરી વગર ચૂકવણા થયા છે એવા તમામ નાણાંકીય વ્યવહારોની પણ તપાસ કરવા માટે તપાસ સમિતિ નીમવામાં આવે. આવા કૌભાંડોની તપાસ થવી જોઈએ.
પ્રજાના ટેક્સના, પરસેવાના પૈસાની જે ઉઘાડી લૂંટ ચાલી રહી છે તેને અટકાવી જોઈએ અને જે જવાબદારો હોય એમને જેલના સળિયા પાછળ નાખવા જોઈએ અને જે આવા અધિકારીઓ હોય કે કોઈ નેતા હોય એની પર કરોડો રૂપિયાના આક્ષેપ લાગે છે, ભ્રષ્ટાચારના પુરાવા લોકો આપે છે તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થતી નથી તો ખાતાકીય તપાસ થાય એટલું જરૂરી નથી. એ.સી.બી.ની તપાસ થવી જોઈએ અને ઈ.ડી. અને ઇન્કમ ટેક્સ કોઈ સામાન્ય લોકોને ત્યાં પહોંચી જાય છે તો આવા કરોડોનું કૌભાંડ કરવાવાળાને ત્યાં કેમ નથી જતી એ મુખ્યમંત્રી તપાસ કરાવે એવી માંગણી કરીએ છીએ.