
વડોદરા શહેરમાં છેલ્લા દોઢ માસમાં બંધ મકાનોને નિશાન બનાવી રાત્રે ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનાઓ આચરનાર 3 રીઢા આરોપીઓને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને 6.46 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને 5 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિશ્વામિત્રી રોડ પર શ્રીમ કોમ્પ્લેક્સ પાસે ખુલ્લા મેદાનમાં બે બાઇક સાથે 3 શંકાસ્પદ ઇસમોને જોયા હતા. જેમને ટીમને જોતાં 3 ઈસમોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે, તેઓએ છેલ્લા દોઢ માસથી વડોદરાના ગોત્રી, ગોરવા, માંજલપુર અને રાવપુરા વિસ્તારોમાં બંધ મકાનોને નિશાન બનાવી, રાત્રે તાળા-નકુચા તોડી સોના-ચાંદીના દાગીના, રોકડ અને ઘડિયાળોની ચોરી કરી હતી અને એક બાઈક ગોરવા વિસ્તારમાંથી ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી હતી.
પકડાયેલ આરોપીઓ
- શમશેરસિંગ ઉર્ફે ઢબુસિંગ માનસિંગ ટાંક (શિકલીગર), ઉં.વ. 26, રહે. ભાયલી, તા. જી. વડોદરા.
- બચ્ચુસિંગ ઉર્ફે જશપાલસિંગ મનજીતસિંગ દુધાની(શિકલીગર), ઉં.વ. 23, રહે. વારસિયા, ખારી તલાવડી, વિશ્વામિત્રી, મહાકાળીનગર, વડોદરા.
- મહેન્દ્રસિંગ જીતસિંગ દુધાની (શિકલીગર), ઉં.વ. 30, રહે. વારશિયા, ખારી તલાવડી, વડોદરા.
કબજે કરેલો મુદ્દામાલ
- સોનાના દાગીના: બુટ્ટીની બે જોડ, મંગળસૂત્ર, નાના પેન્ડલ (૪ નંગ) – કિંમત રૂ. 3,65,980/-
- ચાંદીની ચેઇન: 1 નંગ – કિંમત રૂ. 643/-
- રોકડ રૂ. 1,65,000/- ચલણી નોટો.
- 2 બાઈક – કિંમત રૂ. 1,00,000/-
- 2 કાંડા ઘડિયાળ- કિંમત રૂ. 15,000/-
- ચોરી કરવાના સાધનો: વાંદરીપાનું, ડીસ-મીસ,ટોર્ચ – કિંમત રૂ. 170/-
કુલ કિંમત: રૂ. 6,46,793/-
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
- શમશેરસિંગ ઉર્ફે ઢબુસિંગ સામે 19 ગુનાઓ નોંધાયેલા છે, 1 વખત PASA હેઠળ કાર્યવાહી થઈ છે.
- બચ્ચુસિંગ ઉર્ફે જશપાલસિંગ સામે 10 ગુનાઓ નોંધાયેલા છે, 2 વખત PASA હેઠળ કાર્યવાહી થઈ છે.
- મહેન્દ્રસિંગ જીતસિંગ દુધાની સામે 4 ગુનાઓ નોંધાયેલા છે.