
રાજકોટ શહેરમાં ડમ્પર ચાલકે વધુ એક અકસ્માત સર્જ્યો છે જેમાં કોલેજીયન યુવતીનું મોત નીપજ્યું છે. શહેરમાં વહેલી સવારે 7.30 વાગ્યાથી 7.45 વાગ્યાના અરસામાં ડમ્પર ચાલક દ્વારા યુવતીને અડેફેટે લેવામાં આવતા તેનું કરુણ મોત નીપજ્યું છે. કણસાગરા કોલેજમાં બી.કોમ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી બે બહેનપણી એક્ટિવામાં કોલેજ જઈ રહી હતી ત્યારે હનુમાન મઢી ચોક પાસે બનાવ બન્યો હતો. જેમાં 20 વર્ષીય જુહી નડીયાપરાના પગ અને કમરના ભાગે ડમ્પરનું વ્હીલ ફરી વળ્યું હતું, જ્યારે એક્ટિવા ચલાવતી નિશા રાણંગાનો ચમત્કારી બચાવ થયો હતો. હાલ ડમ્પર ચાલક ડમ્પર સ્થળ પર જ મુકી ફરાર થઈ ગયો છે જેથી પોલીસે ડમ્પર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
જુહી તરુણભાઈ નડિયાપરા (ઉં.વ.20) અને નિશા મેરુભાઈ રાણંગા (ઉં.વ.20) આજરોજ(16 જુલાઈ) સવારના 7.30 વાગ્યે એક્ટિવામાં કોલેજે જતા હતા. નિશા એક્ટિવા ચલાવતી હતી અને જુહી એકટિવામાં પાછળ બેઠી હતી. ત્યારે હનુમાન મઢી ચોકમાં હનુમાન મંદિર પાસે રૈયા ચોક તરફથી પુરપાટ ઝડપે આવેલા ડમ્પરે એક્ટિવાને અડફેટે લીધું હતું. જેમાં જુહીને ઈજા પહોંચતા બેભાન થઈ ગઈ હતી જ્યારે નિશાનો આબાદ બચાવ થયો હતો. જુહીને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ઇમર્જન્સી વિભાગમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ બંને યુવતીના પરિવારને થતા હોસ્પિટલ દોડી આવ્યા હતા.
જુહીના પિતા તરુણભાઈના જણાવ્યા મુજબ, તેઓ પરિવાર સાથે બજરંગવાડી સર્કલ શેરી નંબર 12માં રહે છે. નાના મવા રોડ પર આંબેડકરનગર ખાતે મોબાઈલની દુકાન ચલાવે છે. તેઓને સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે. જેમાં જુહી સૌથી મોટી છે. જુહી કોટેચા ચોક કાલાવડ રોડ પર આવેલ કણસાગરા કોલેજમાં બી.કોમ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી તેની બહેનપણી નિશા પણ કણસાગરા કોલેજમાં બી.કોમ. ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. દરરોજ સવારે પિતા તરુણભાઈ જુહીને ઘરેથી શિતલ પાર્ક સર્કલ સુધી મુકી જાય અને નિશા જામનગર રોડ નંદનવન સોસાયટીમાંથી પોતાના ઘરેથી એક્ટિવા લઇ શિતલ પાર્ક ખાતે આવી અને પછી બંને બહેનપણી એક્ટિવામાં સાથે કોલેજે જતી હતી.
આજે સવારે તરુણભાઈ જુહીને શિતલ પાર્ક મુકી ગયા હતા. ત્યાંથી બંને યુવતી એક્ટિવામાં રૈયા ચોકડીથી હનુમાન મઢી પહોંચ્યા હતા. ત્યાંથી નિર્મલા રોડ થઈ કોલેજે જવાના હતા. જોકે નિશાએ જણાવ્યા મુજબ હનુમાન મઢીથી તેઓ નિર્મલા રોડ તરફ ટર્ન લે તે પહેલા જ બેફામ સ્પીડમાં ડમ્પર આવ્યું હતું અને એક્ટિવાને ઓવરટેક કરતા સમયે ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. અકસ્માતમાં જુહીનું કરુણ મોત નીપજતા પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો. બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે આવી જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.