
તલાટીઓની બદલીઓ અને સિંચાઇ માટે છેલ્લા બે વર્ષથી મોટરની ખરીદીના મામલે શાસકપક્ષના સદસ્યોએ ડીડીઓ સહિતના અધિકારીઓની સામે પ્રશ્નોની ઝડી વરસાવી હતી. સદસ્યોના પ્રશ્નોના જવાબ આપવામાં અધિકારીઓ ખોથે ચડતા નજરે પડ્યા હતા.
સિંચાઇ વિભાગ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી મોટરના મામલે કોઇ જ નિર્ણય નહીં લેવાતા લોકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે તે મામલે સદસ્યોએ ડીડીઓને રજુઆત કારોબારી સમિતિની બેઠકમાં કરી હતી. સદસ્યોના પ્રશ્નોના વરસાદ વચ્ચે સ્ટેમ્પ ડ્યૂટી ગ્રાન્ટમાંથી રૂપિયા 6.50 કરોડના વિકાસના કામોને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક ગુરુવારે સમિતિના ચેરમેન રંજનબેન જાદવની અધ્યક્ષસ્થાને મળી હતી. કારોબારી સમિતિમાં ચાલુ નાણાંકિય વર્ષ-2025-26માં જિલ્લા પંચાયતને મળતી સ્ટેમ્પ ડ્યૂટીની ગ્રાન્ટમાંથી રૂપિયા 6.50 કરોડના વિકાસના કામોને મંજૂરી માટે એજન્ડાને રજૂ કરવામાં આવ્યો હતો.
જોકે રૂપિયા 6.50 કરોડના વિકાસના કામોને મંજૂરીની મહોર મારી દીધી હતી. ત્યારબાદ ગત વર્ષની સ્ટેમ્પ ડ્યૂટી અને રેતી-કાંકરીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોને હેતુફેરના એજન્ડાને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તલાટીઓની બદલીઓ કરવામાં નિયમોનું પાલન કરાયું નથી. તેમ છતાં ગ્રામ્ય વિસ્તારોમાં તલાટીઓ હાજર રહેતા નથી. વધુમાં સ્વવિનંતીથી તલાટીઓને બદલી કરી હોવા છતાં તેઓ ગ્રામ પંચાયતમાં હાજર નહીં રહેતા ગ્રામજનોને કામગીરી માટે ધક્કા ખાવાની ફરજ પડી રહી છે.
ત્રણેક માસ પહેલાં ડીડીઓએ ત્રણ વર્ષથી વધુ સમય એક જગ્યાએ ફરજ બજાવતા તલાટીઓની બદલીઓ કરવામાં આવી હતી. તેમાં સ્વવિનંતીવાળા તલાટીઓ માનિતી જગ્યાએ બદલી કરાવી દીધી છે. તેમ છતાં સપ્તાહમાં માત્ર ત્રણ જ દિવસ ગ્રામ પંચાયતમાં તલાટીઓ હાજર રહેતા હોવાનો સૂર સદસ્યોમાં ઉઠ્યો હતો. તલાટીઓની ગેરહાજરીના મામલે સદસ્યોએ માર્મિક કટાક્ષ કરતા કહ્યું હતું કે અધિકારીઓ અને તલાટીઓને ગ્રામજનોની પડી નથી, તેમને તો તેઓના પગારની પડી છે. સદસ્યોના કટાક્ષથી અધિકારીઓમાં સોંપો પડી ગયો હતો.