
ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રી કાર્યાલય અને અન્ય સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી અંગ્રેજી ભાષામાં ઈ-મેઇલ દ્વારા મોકલવામાં આવી હતી. મેઇલમાં જણાવાયું હતું કે અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરમાં વિસ્ફોટ થયા બાદ 97 મિનિટમાં ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય અને અન્ય કચેરીઓમાં વિસ્ફોટ થશે. મેઇલમાં તામિલનાડુના રાજકારણીઓ અને મીડિયા સાથે સંકળાયેલા વિવાદનો પણ ઉલ્લેખ કરાયો હતો. સચિવાલયના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી. લોકલ ક્રાઈમ બ્રાંચ, એસઓજી, બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડની ટીમોએ સચિવાલય સંકુલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. ડીવાયએસપી ડી.ટી. ગોહિલના જણાવ્યા અનુસાર, આ મેઇલ આઉટલુક ડોમેઇનમાંથી મોકલવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે મેઇલ ફેક આઈડી પરથી મોકલાયો છે. આ મામલે સેક્ટર-7 પોલીસ મથકમાં ત્રણ દિવસ પહેલા ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.