
ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરના સેન્ટ્રલ પોઈન્ટ ચ-0 સર્કલને વધુ આકર્ષક બનાવવા નવી પહેલ કરી છે. મહાનગરપાલિકાએ અહીં આર્કિયોલોજિકલ અને મલ્ટીપર્પઝ યોગ સ્ટુડિયો બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી છે. મહાનગરપાલિકાએ શહેરના ત્રણેય ઝોનમાં યોગ સ્ટુડિયો સ્થાપવાનો નિર્ણય લીધો છે. ચ-0 સર્કલ ખાતે આર્કિયોલોજિકલ આધારિત યોગ સ્ટુડિયો માટે આશિષ કન્સ્ટ્રક્શનનું ટેન્ડર મંજૂર થયું છે. 2.72 કરોડના અંદાજિત ખર્ચ સામે કંપનીએ 2.30 કરોડનું ટેન્ડર રજૂ કર્યું હતું. આ ટેન્ડર અંદાજિત ખર્ચથી 15.68 ટકા ઓછું છે. સ્થાયી સમિતિની તાજેતરની બેઠકમાં આ ટેન્ડરને સર્વસંમતિથી મંજૂરી મળી છે. યોગ સ્ટુડિયોમાં ધ્યાન માટેની વિશેષ વ્યવસ્થા ઊભી કરાશે. ચ-0 સર્કલ અગાઉથી જ લાઈટિંગ અને સોલાર ટ્રી જેવી સુવિધાઓથી સજ્જ છે. આ સ્થળ કુદરતી સૌંદર્ય વચ્ચે યોગ, ધ્યાન અને પ્રાણાયામ માટેનું કેન્દ્ર બનશે. મહાનગરપાલિકાના આ પ્રયાસથી ચ-0 સર્કલ શહેરનું મહત્વનું જોવાલાયક સ્થળ બનશે.