યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને મળેલી મોતની સજા 16મી જુલાઈએ મળવાની હતી જે હવે ટળી ગઈ છે પરંતુ તેમને માફી અપાવવાના પ્રયાસો હજુ સફળ થયા નથી.
નિમિષા પ્રિયાને તેમના બિઝનેસ પાર્ટનર યમનના નાગરિક તલાલ અબ્દો માહદીની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને મોતની સજા સંભળાવવામાં આવી છે.
34 વર્ષનાં નિમિષા હાલ યમનની રાજધાની સનાની કેન્દ્રીય જેલમાં બંધ છે.
જોકે, તેમની સજાની નવી તારીખ હજુ સામે નથી આવી. મોતની સજાને ટાળવા માટે ભારત સરકાર અને સામાજિક કાર્યકર્તાઓ તરફથી પ્રયાસ ચાલુ છે. આ દરમ્યાન, તલાલ અબ્દો માહદીના ભાઈ અબ્દેલફતેહ માહદીએ બીબીસી અરબી સેવા સાથે વાતચીતમાં સજા માફીની સંભાવનાને ફગાવી દીધી હતી.
તેમણે કહ્યું હતું કે, “આ મામલામાં માફી અપાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, તેના પર અમારો પક્ષ સ્પષ્ટ છે. અમે ઇચ્છીએ છીએ કે કાયદા હેઠળ ‘કિયાસ’ના નિયમોનું પાલન થાય, તેનાથી ઓછું કંઈ નહીં.”
ત્યાર બાદ ફરી ચર્ચા શરૂ થઈ કે ઇસ્લામમાં ‘કિયાસ’ શું છે અને તેની હેઠળ કેવી રીતે સજા મળે છે?
શું હોય છે ‘કિસાસ’?
‘કિયાસ’ અરબી ભાષાનો શબ્દ છે. તેનો મતલબ પ્રતિશોધ કે બદલો લેવો છે.
ઇસ્લામ અનુસાર, કિયાસ એક પ્રકારની સજા છે જે શારીરિક ઈજા સાથે સંબંધિત ગુનો કરનાર મહિલા કે પુરુષ બંને પર લાગુ પડે છે.
સરળ શબ્દોમાં સમજીએ તો જીવના બદલામાં જીવ અને આંખના બદલામાં આંખ લેવી. એટલે જેટલી તકલીફ કોઈને પહોંચી છે, તેના બદલામાં અપરાધીને પણ એટલી જ તકલીફ મળે. તેનાથી વધુ કે ઓછી નહીં.
વ્યવસાયે વકીલ મુફ્તી ઓસામા નદવી કહે છે કે, કિયાસ ન્યાયનો ઇસ્લામિક સિદ્ધાંત છે, જેનાથી સુનિશ્ચિત કરી શકાય છે કે જાણીજોઈને હત્યા કે ઈજા પહોંચાડવાની સજા બરાબરીની અને ન્યાયપૂર્ણ હોય.
કિયાસ શબ્દ અરબીમાંથી આવે છે, જેનો અર્થ પીછો કરવો કે ટ્રૅક કરવો. ફિક્હ (ઇસ્લામી કાયદો)ની ભાષામાં આનો અર્થ છે – ઇરાદાપૂર્વક અથવા ગંભીર શારીરિક નુકસાનના બદલામાં સમાન સજા આપવી. આ પ્રક્રિયામાં ન્યાયની તમામ શરતો પૂર્ણ થવી જોઈએ.
તેઓ જણાવે છે કે કુરાનમાં કિયાસનો ઉલ્લેખ ઘણી વખત થયો જેમકે સૂરહ અલ-બકરાહ (2), આયત 178માં લખ્યું છે:
“હે ઇમાનવાળાઓ! તમારા પર હત્યાના મામલામાં કિયાસ (બદલો લેવાની) લાગુ કરવામાં આવ્યો છે
આઝાદના બદલે આઝાદ, ગુલામને બદલે ગુલામ અને સ્ત્રીના બદલે સ્ત્રી.
પછી જો કોઈને પોતાના ભાઈ તરફથી માફ કરી દેવાય, તો ભલાઈ સાથે તેનું પાલન કરવામાં આવે અને સારી રીતે તેનો હક અદા કરવામાં આવે.
આ તમારા ઈશ્વરની તરફથી એક રિયાયત અને રહેમત છે. પછી જો કોઈ અત્યાચાર કરશે તેના માટે દુ:ખદ સજા છે.”
તેની આગલી આયતમાં લખેલું છે કે, “અને તમારા માટે કિયાસમાં જીવન છે, હે અક્કલવાળાઓ! કદાચ કે તમે બચો (જેથી સમાજમાં હત્યાનો ડર રહે)”.
શું નિમિષા પાસે છે બચવાનો કોઈ રસ્તો?
BBCનિમિષા પ્રિયાના પતિ 2014માં પોતાની દીકરી સાથે કોચ્ચી પરત ફર્યા હતા
મુફ્તી ઓસામા નદવી કિયાસના આ સિદ્ધાંતમાં ‘માફી અને દયા’ની સંભાવનાનો પણ ઉલ્લેખ કરે છે પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે પીડિત પક્ષ આવું ઇચ્છે.
‘બ્લડ મની’ આનો ભાગ છે. એટલે કે જો મહદીના પરિવારજનો ઇચ્છે તો તેઓ એક રકમ લઈને નિમિષા પ્રિયાને માફી આપી શકે છે.
અલ-યમન-અલ-ગાદના રિપોર્ટ અનુસાર, નિમિષાના વકીલોએ કહ્યું હતું કે યમનના શરિયા કાયદા અનુસાર નિમિષાના પરિવારજનોએ પીડિત પરિવારને 10 લાખ ડૉલર બ્લડ મનીના રૂપમાં ઑફર કર્યા છે. પણ હજુ કોઈ સમજૂતી થઈ નથી.
નિમિષા પ્રિયાને મહિલા હોવાને કારણે સજામાં રાહત મળી શખે છે કે પછી કોઈ બીજો રસ્તો છે જેનાથી સજા માફ થઈ જાય?
મુફ્તી ઓસામા નદવી આ વિશે કહે છે કે, “કિયાસ આ જ છે કે જો કોઈએ કોઈની આંખ ફોડી હોય તો આવું કરનારને સજા તરીકે આંખ જ ફોડવામાં આવે. જેણે જેવું કર્યું તેના બદલામાં તેને એવી જ સજા મળે છે. આમાં મહિલા અને પુરુષો માટે સજા એક સમાન હોય છે.”
“જોકે, એવું જોવા મળે છે કે જો મહિલા સાથે કોઈ માનવીય પાસું છે તો તેની પર ધ્યાન આપવામાં આવે છે. દાખલા તરીકે જો કોઈ એવી મહિલાએ હત્યા કરી છે જે પોતાના બાળકને હજુ સ્તનપાન કરાવે છે તો એવામાં જ્યાર સુધી બાળક થોડું મોટું નથી થઈ જતું ત્યાર સુધી તેની સજા રોકવામાં આવે છે.”
તેઓ કહે છે કે આ કોઈ એક દેશનો કાયદો નથી પણ કુરાનનો કાયદો છે. જોકે, તેને લાગુ કરવા માટે એક દેશનું ઇસ્લામિક અને શરિયા પર ચાલવું જરૂરી છે. આ ક્યાંક પણ લાગુ નથી થઈ શકતો.
હવે નિમિષાને બચાવવાનો એકમાત્ર રસ્તો આ જ છે કે મહદીના પરિવાર તેમને માફ કરી દે.
શું છે મામલો?
BBCનિમિષાનાં માતા પ્રેમાકુમારી (જમણે)ને આશા છે કે તેઓ તેમનાં પુત્રીને બચાવી લેશે .
નિમિષા પ્રિયા વર્ષ 2008માં નર્સ તરીકે કામ કરવા માટે ભારતના કેરળથી યમન ગયાં હતાં.
નિમિષાને એક સ્થાનિક વ્યક્તિ અને તેમના પૂર્વ બિઝનેસ પાર્ટનર તલાલ અબ્દો માહદીની હત્યાના મામલામાં મોતની સજા સંભળાવી હતી.
વર્ષ 2017માં તલાલ માહદીનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળ્યો હતો.
નિમિષાએ આ આરોપોને નકાર્યા હતા. કોર્ટમાં તેમના વકીલે તર્ક આપ્યો હતો કે માહદીએ તેમનું શારીરિક શોષણ કર્યું હતું, તેમના બધા પૈસા છીનવી લીધા અને પાસપૉર્ટ પણ લઈ લીધો હતો અને બંદૂકથી ધમકાવ્યાં.
નિમિષાના વકીલે કોર્ટને કહ્યું હતું કે તેઓ માત્ર બેહોશીની દવા આપીને માહદી પાસેથી પોતાના પાસપૉર્ટ હાંસલ કરવા માગતાં હતાં પણ દુર્ઘટનાવશ દવાની માત્રા વધુ થઈ ગઈ.
હવે તલાલ માહદીના ભાઈ અબ્દેલ ફતેહ મહદીએ પાસપૉર્ટ જપ્ત કરવા અને તેમને ધમકાવવાના ‘દાવાને ખોટો’ ગણાવ્યો છે
અબ્દેલ માહદીએ કહ્યું કે, “આ ખોટો દાવો છે અને તે નિરાધાર છે.”
તેમણે કહ્યું કે, “કાવતરાખોર (નિમિષા)એ પણ આનો ઉલ્લેખ નથી કર્યો અને એવો દાવો પણ નહોતો કર્યો કે તેમણે (તલાલ માહદીએ) તેમનો પાસપૉર્ટ રાખી લીધો હતો.”
અબ્દેલે દાવો કર્યો કે તેમના ભાઈ તલાલ પર ‘નિમિષાનું શોષણ’ કરવાની વાતો માત્ર અફવા છે.
વર્ષ 2020માં એક સ્થાનિક અદાલતે નિમિષાને મોતની સજા સંભળાવી હતી. તેમના પરિવારે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પણ તેમની અપીલને વર્ષ 2023માં ફગાવી દીધી હતી.
જાન્યુઆરી 2024માં યમનના હૂતી વિદ્રોહીઓની સુપ્રીમ પૉલિટિકલ કાઉન્સિલના અધ્યક્ષ માહદી અલ-મશાતે મોતની સજાને મંજૂરી આપી હતી.
યમનની ઇસ્લામિક કાયદા વ્યવસ્થા જેને શરિયા કહેવાય છે તેની હેઠળ હવે તેમની પાસે માત્ર એક આખરી આશા પીડિત પરિવાર પાસેથી બચી છે. તેઓ ઇચ્છે છે કે બ્લડ મની લઈને તેમને માફ કરવામાં આવે.
ઘરેલુ કામ કરનારાં નિમિષાનાં માતા 2024માં યમનમાં છે અને તેમનાં દીકરીને બચાવવાના છેલ્લા પ્રયત્નો કરી રહ્યાં છે.
ભારત સરકારે શું કર્યું?
ગયા વર્ષે ડિસેમ્બરમાં નિમિષાના પરિવારજનોએ આ મામલામાં ભારત સરકારે તત્કાલ હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી.
આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં દરેક શક્ય મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારના એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે, “નિમિષા પ્રિયા મામલામાં ભારત સરકાર દરેક સંભવ સહાયતા ઉપલબ્ધ કરાવી રહી છે. મંત્રાયલે કાયદાકીય મદદ આપી છે અને પરિવારની મદદ માટે એક વકીલ પણ નિયુક્ત કર્યો છે.”
રણધીર જાયસ્વાલે કહ્યું કે, “નિયમિત કૉન્સુલર ઍક્સેસની પણ વ્યવસ્થા કરી હતી. સરકાર યમનના સ્થાનિક અધિકારીઓ અને પરિવારના સંપર્કમાં છે જેથી મામલાનું સમાધાન કાઢી શકાય.”
તેમણે કહ્યું કે, “હાલના દિવસોમાં પરિવારને વધુ સમય મળે તેના સઘન પ્રયાસ કરાયા છે જેથી બીજા પક્ષ સાથે આપસી સહમતીથી આનું સમાધાન નીકળી શકે.”
તેમણે જણાવ્યું કે, “ભારત સરકાર આ મામલા પર નજર રાખી રહી છે અને દરેક મદદ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસ કરી રહી છે. ભારત સરકાર આ મામલે મિત્રવત સરકારો સાથે પણ સંપર્કમાં છે.”