
હિરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી એર ઇન્ડિયાની રાજકોટથી મુંબઈની સવારની ફ્લાઈટ 27 જૂનથી 15 જુલાઈ સુધી બંધ રહી હતી. જોકે 18 જુલાઈથી આ ફ્લાઈટ બંધ થઈ જતા હવે તે 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. સત્તાવાર રીતે તો એરક્રાફ્ટમાં ઇન્ટિરિયર ચેન્જ કરવાની લીધે ફ્લાઇટ બંધ થયાનું જણાવવામાં આવ્યું છે પરંતુ હકીકત એ છે કે મુસાફરોની ઘટતી જતી સંખ્યાને કારણે દિલ્હીની સવારની ફ્લાઈટ એર ઇન્ડિયા દ્વારા બંધ કરવામાં આવી છે. અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હવે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દૈનિક ઉડાન ભરતી ફ્લાઇટની સંખ્યા 10માંથી ઘટી 8 થઈ ગઈ છે.
એર ઇન્ડિયાની AIC 659 મુંબઈથી દરરોજ 6.35 વાગ્યે પ્રસ્થાન કરી 7.55 વાગ્યે રાજકોટ એરપોર્ટ ઉપર પહોંચે છે અને ત્યારબાદ આ ફ્લાઈટ AI688 સ્વરૂપે રાજકોટથી 8.40 વાગ્યે ઉડાન ભરતી અને મુંબઇ સવારે 10.10 વાગ્યે પહોંચતી ફ્લાઈટ હવે 31 ઓગસ્ટ એટલે કે વધુ 40 દિવસ બંધ રહેવાની છે. તાજેતરમાં જ એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ દિલ્હીની સવારની આ ફ્લાઈટમાં દૈનિક જતા મુસાફરોની સંખ્યા ઘટીને 25 થઈ ગઈ હતી. જેને લીધે આ ફ્લાઈટ બંધ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
હાલની જો વાત કરવામાં આવે તો રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દૈનિક મુંબઈની 4 તો દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર અને સુરતની 1-1 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જ્યારે દિલ્હી અને ગોવાની ફ્લાઈટ અઠવાડિયામાં ચાર દિવસ ઉડાન ભરે છે. આ ઉપરાંત પુણેની એક ફ્લાઈટ અઠવાડિયામાં 4 દિવસ તો અન્ય ફ્લાઈટ અઠવાડિયામાં 1 દિવસ ઉડાન ભરી રહી છે. જેની સામે અગાઉ વિન્ટર શેડ્યુલમાં દૈનિક 10 ફ્લાઈટ ઉડાન ભરતી હતી.