‘સ્વામિત્વ’ યોજનામાં હવે રૂ. 200 ફી ચૂકવવી નહીં પડે:ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકોને સનદ મેળવવાના નાણાંકીય ભારણથી મુક્તિ, અંદાજે 25 લાખ લોકોને લાભ થશે

Spread the love

 

સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને તેમના રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી ‘સનદ’ હવે વિના મૂલ્યે અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકો ઉપર સનદ લેવા માટે જે રૂપિયા 200 ફી ભરવી પડતી હતી તે દૂર કરવાનો સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી અંદાજે 25 લાખ લોકોને લાભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમીન મહેસુલ અધિનિયમ 1879ની જોગવાઈ મુજબ મિલકત ધારક પાસેથી રૂ. 200ની સર્વે ફી લઈને આપવામાં આવતી સનદ હવે ગ્રામીણ મિલકત ધારકોને નિઃશુલ્ક આપવાનો નિર્ણય કર્યો છે. તેમના આ નિર્ણયને પરિણામે હવે રાજ્યમાં ‘સ્વામિત્વ’ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડની નકલ ઉપરાંત તેમના રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી ‘સનદ’ પણ વિના મૂલ્યે મળશે. રાજ્યમાં આવી અંદાજે 25 લાખ ગ્રામીણ મિલકત સનદ વિતરણ માટે આશરે 50 કરોડ રૂપિયાનું ભારણ રાજ્ય સરકાર લેશે. મુખ્યમંત્રીએ ગ્રામીણ વિસ્તારોના નાના, ગરીબ અને મધ્યમ વર્ગીય મિલકત ધારકોને સનદ મેળવવા માટે રૂ. 200ની ફીમાંથી મુક્તિ આપવાના આ સંવેદના સ્પર્શી અભિગમથી ગ્રામીણ નાગરિકોને તેમની મિલકતના હક્ક દર્શાવતી સનદ મેળવવામાં સરળતા કરીને ઈઝ ઓફ લિવિંગ સાકાર કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ભારત સરકારના પંચાયતી રાજ, વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી સરકારે વર્ષ 2020માં સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે. આ ‘સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઈઝ્ડ ટેકનોલોજી ઇન વિલેજ એરીયા (સ્વામિત્વ)’ અન્વયે ડ્રોન ટેકનોલોજી દ્વારા ગ્રામીણ વિસ્તારોના આબાદી એરિયાની મિલકતોનો ડ્રોન સર્વે કરીને ગ્રામ્ય પ્રજાને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવામાં આવે છે. આવા પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ મિલકત ધારકોને વિના મૂલ્ય આપવામાં આવે છે. આ પ્રોપર્ટી કાર્ડ દ્વારા ગ્રામીણ નાગરિકોને તેમની મિલકતો પર કાયદેસર અધિકાર મળે છે અને તેઓને નાણાંકીય રીતે સશક્ત બનાવે છે. પ્રોપર્ટીકાર્ડ થકી ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં વધુ વેગ જોવા મળશે. સાથે ગ્રામ વિકાસના આયોજન માટે સચોટ જમીન રેકર્ડ તૈયાર થશે. તેમજ કરની ચોક્કસ વસૂલાત થશે અને મિલકત સંબંધી વિવાદ અને કાયદાકીય કેસો ઘટશે.
સ્વામિત્વ યોજના શું છે?ઃ આજે પણ ભારતનો મોટો હિસ્સો ગ્રામીણ છે. ગ્રામીણ વિસ્તારોમાં એવા ઘણા લોકો છે, જેમની પાસે તેમની જમીનના દસ્તાવેજ નથી. અહીં રહેતા લોકો પેઢી દર પેઢી જમીન પર પોતાનો માલિકી હક્ક ગણતા આવ્યા છે. આ જ કારણે ગામમાં જમીનને લઈને અનેક વિવાદો જોવા મળી રહ્યા છે. ઘણી વખત ઝઘડા પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગયા છે. સરકારે આ વિસ્તારોમાં ન તો કોઈ સર્વે કર્યો છે કે ન તો કાયદાકીય દસ્તાવેજો તૈયાર કરવા માટે કોઈ પ્રક્રિયા શરૂ કરી છે. પરંતુ હવે સ્વામીત્વ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં જમીન પર બનેલા મકાનોને માલિકી હક્ક આપવા માટે ભારત સરકાર દ્વારા સ્વામીત્વ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સર્વે કરવામાં આવે છે અને તે પછી વ્યક્તિને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે, જે ઘરની માલિકી ધરાવે છે. એટલે કે, તેમની પાસે તેમના ઘરનો માન્ય દસ્તાવેજ હશે.
આ યોજનાનો લાભ કોને મળશે?ઃ ભારત સરકારની સ્વામિત્વ યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને ફાયદો થશે. જેમણે પોતાની જમીન પર મકાનો બનાવ્યા છે, તેની પાસે કોઈ પુરાવો નથી કે ઘર તેનું છે. ભારત સરકાર સર્વે કરશે અને તે લોકોને પ્રોપર્ટી કાર્ડ સોંપશે. આ દ્વારા, તેઆગળ જતા સાબિત કરી શકશે કે તે ઘર તેનું જ છે. સરકારી યોજનાનો લાભ કેટલા લોકોને મળશે તેનો ડેટા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે આ સ્કીમ હેઠળ માત્ર ગ્રામીણ વિસ્તારોમાં આવેલી પ્રોપર્ટીનો સર્વે કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *