
અમદાવાદ ભદ્ર સ્થિત CBI કેસોની વિશેષ અદાલતે આજે ચુકાદો આપતાં પશ્ચિમ રેલવે, ભાવનગરના પૂર્વ ડિવિઝનલ એન્જિનિયર હરીશ કિશોર ગુપ્તાને લાંચ લેવાના ગુનામાં 3 વર્ષની સખત કેદ અને રૂ. 1 લાખના દંડની સજા ફટકારી છે. ગુપ્તા ગુના સમયે ડીઆરએમ (DRM) કચેરી, પશ્ચિમ રેલવે, ભાવનગરમાં ફરજ બજાવતા હતા.
5 હજાર રૂપિયાની લાંચ માગી અને સ્વીકારી હતીઃ CBI એ આ કેસ 15 જુલાઈ, 2010ના રોજ નોંધ્યો હતો. જેમાં આરોપ મુકવામાં આવ્યો હતો કે, હરીશ કિશોર ગુપ્તા જેઓએ ભાવનગર, પશ્ચિમ રેલવેમાં ઇજનેર તરીકે ફરજ બજાવી હતી, તેમણે ફરિયાદી રેલવે કોન્ટ્રાક્ટર પાસેથી 5 હજાર રૂપિયાની લાંચ માગી અને સ્વીકારી હતી. આ લાંચ 19.91 લાખ રૂપિયાના કાર્ય આદેશ જારી કરવા અને એ જ ઠેકાણે કામ પૂરું કરવાની મુદત વધારવા માટે લેવામાં આવી હતી. સંબંધિત કામ 10 માર્ચ, 2010ના રોજ અપાયું હતું.
ટ્રાયલ બાદ અદાલતે આરોપીને દોષિત ઠેરવી સજા ફટકારીઃ આરોપી હરીશ કિશોર ગુપ્તાને 16 જુલાઈ, 2010ના રોજ ઝડપી લેવામાં આવ્યા હતા. તેમના નિવાસસ્થાન અને કચેરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસના અંતે 29 જૂન, 2011ના રોજ આરોપી સામે લાંચ લેવી અને જાહેર નોકરીમાં રહેલા માણસ તરીકે ગુનાહિત કૃત્ય કરવાના આરોપ હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ટ્રાયલ બાદ અદાલતે આરોપીને દોષિત ઠેરવી ઉપરોક્ત સજા ફટકારી હતી.