
વર્ષ 2022માં અમદાવાદના વટવા GIDC પોલીસ મથકે 29 વર્ષીય આરોપી બલવંતસિંહ ચૌહાણ સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આવેલા પોકસોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ એ.બી.ભટ્ટે સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, 16 સાહેદ અને 32 દસ્તાવેજી પુરાવાને આધારે આરોપીને 20 વર્ષ સખત કેદની સજા અને કુલ 75 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
સગીરાને 17 અઠવાડિયાનો ગર્ભ પણ રહી ગયો હતોઃ કેસને વિગતે જોતા પીડિતાની ઉંમર 14 વર્ષ અને 6 મહિના જેટલી હતી. એક દિવસ રાત્રે તે પોતાના ઘરથી ગાયબ થઈ ગઈ હતી. તપાસમાં ખબર પડી હતી કે, આરોપી પીડિતાને લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં સગીરાને 17 અઠવાડિયાનો ગર્ભ પણ રહી ગયો હતો. પીડિતા તે સમયે ધોરણ 10માં અભ્યાસ કરતી હતી.
બાળકનો બાયોલોજીકલ પીતા હોવાનું સાબિત થયુંઃ FSL દ્વારા પીડીતાના ગર્ભના પેશીનું DNA સેમ્પલિંગ ટેસ્ટ કરાતા આરોપી તેના બાળકનો બાયોલોજીકલ પીતા હોવાનું સાબિત થયું હતું. આરોપીનું કહેવું હતું કે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. જો કે સાહેદો અને પુરાવાને આધારે પોક્સોની વિશેષ અદાલતે આરોપીને ઉપરોક્ત સજા ફટકારી હતી અને પીડિતાને વળતર પેટે 5 લાખ રૂપિયા જાહેર કર્યા હતા.