‘ઘ’ અને ‘ચ’ રોડના એન્જિનિયરીંગમાં બદલાવ કરાશે

Spread the love

 

ગાંધીનગર

ગાંધીનગરમાં માર્ગ સલામતીને ધ્યાને લઇને લાંબા સમયથી ચાલતી કવાયતના અંતે આખરે શહેરના મુખ્ય એવા બે માર્ગો ઘ અને ચ- રોડ પર અકસ્માત અટકાવવા માટે રોડ એન્જિનિયરીંગમાં મહત્વના ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે અને ટૂંક સમયમાંં તેનો અમલ પણ કરવામાં આવશે. આ બંને માર્ગ પર હાલમાં જે ડિવાઇડર કટ છે તે બંધ કરવામાં આવશે અને દરેક સર્કલથી યુ ટર્ન લઇને જ જે તે સ્થળે જઇ શકાશે. એક સર્કલથી બીજા સર્કલનું અંતર 800 મીટર છે જેથી વાહનચાલકોને માત્ર એટલું જ ફરવું પડશે. જ્યાં સર્કલ નથી ત્યાં 800 મીટરે નવો કટ બનાવવામાં આવશે. જોકે આ કટ પણ સલામતીને લગતી તમામ બાબતોને ધ્યાને લઇને બનાવવામાં આવશે. ગાંધીનગરના પહોળા રસ્તાને કારણે વાહનો પુરપાટ દોડે છે પરિણામે અવારનવાર અકસ્માતો સર્જાય છે. અભ્યાસમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે ચારરસ્તા એટલે કે ડિવાઇડર કટ પરથી વળાંક લેતી વખતે વાહનો વચ્ચે ટક્કર થાય છે. સર્કલ પર ટર્ન લેતી વખતે અકસ્માતની સંભાવના નહીંવત રહે છે.

ચ અને ઘ- માર્ગ પર મહત્વની કચેરીઓ અને એસટી ડેપો, સિવિલ હોસ્પિટલ, સ્કૂલ- કોલેજ સહિતના મહત્વના સ્થળો આવેલા હોવાથી તેમજ આ રોડ પર સૌથી વધુ ટ્રાફિક રહેતો હોવાથી પ્રથમ તબક્કે આ બંને માર્ગો પર આવેલા તમામ ડિવાઇડર કટ બધ કરીને સર્કલ ટુ સર્કલ એન્ટ્રી અપાશે. જેથી દર 800 મીટરે જ ક્રોસ રોડ આવશે પરિણામે અકસ્માતની સંભાવના મહદ અંશે ઘટાડી શકાશે. આ મામલે અગાઉ પણ વિચારણા થઇ હતી પરંતુ આ વખતે ગંભીરતાથી પરામર્શ કરવામાં આવી રહ્યો છે. સૌપ્રથમ સેક્ટર-7-8નો કટ કાયમી ધોરણે બંધ કરાયો છે. હવે બંને મુખ્ય માર્ગના તમામ ડિવાઇડર કટ બંધ કરાશે. ચ- રોડ પર વળાંક વખતે થતા અકસ્માત અટકાવવા માટે ગેપ ઇન મિડિયન પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો હતો. જેમાં જમણી તરફ વળાંક લેતા વાહનો માટે 100 મીટર આગળથી જ એક અલગ લેન બનાવવાની હતી જેથી પાછળથી આવતા વાહનો સાથે ટક્કર ન થાય. પરંતુ આ યોજનાને વન વિભાગની મંજૂરી નહીં મળતાં તે લાંબા સમયથી અટવાઇ ગઇ છે. જોકે ઘ- રોડ પર સિવિલ હોસ્પિટલ અને કલેક્ટર કચેરી એમ બે મહત્વના સ્થળો આવેલા હોવાથી અને ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે ઘ-રોડ પર આ બે ડિવાઇડર કટ ખૂલ્લા રખાશે. તે સિવાયના તમામ કટ બંધ કરી દેવાશે. ટૂંક સમયમાં આ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *