
અમદાવાદના નરોડા વિસ્તારમાં 20 જુલાઈની રાત્રે એક યુવકે આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. નરોડાની શેલ્બી હોસ્પિટલની સામેના બિલ્ડિંગના બીજા માળેથી યુવકે પડતું મૂક્યું હતું. આ ઘટનાને લઈને રોડ પરથી પસાર થતા તેમજ સ્થાનિક લોકો ત્યાં ઊમટી પડ્યા હતા. યુવકનો આપઘાત કરતો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે યુવક થોડીવાર આમ તેમ ફરે છે અને પછી બૂમ પાડીને નીચે કૂદી પડે છે. આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધીને આપઘાત કરનાર યુવકની ઓળખ અને કારણ જાણવા તપાસ હાથ ધરી છે. અમદાવાદના નરોડામાં આવેલી શેલ્બી હોસ્પિટલની સામે આવેલા બિલ્ડિંગના બીજા માળેથી ગઈકાલે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ યુવકે પડતું મૂક્યું હતું, જેને લીધે તે નીચે પછડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. યુવકને સારવાર મળે તે પહેલાં જ દમ તોડી દીધો હતો. આ ઘટના અંગે સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસે ઘટનાસ્થળે આવી અકસ્માતે મોતની ઘટના નોંધીને યુવક ક્યાંનો છે? અને શા માટે આપઘાત કર્યો? તેની તપાસ હાથ ધરી છે. આ અંગે નરોડા પોલીસ સ્ટેશનના PSI સેવક કોટડિયાએ જણાવ્યું કે, ગઈકાલે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ અમને જાણ થઈ હતી કે, એક યુવકે નરોડામાં આવેલી શેલ્બી હોસ્પિટલની સામેના બિલ્ડિંગના બીજા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. આ પછી અમારી ટીમ ત્યાં પહોંચી હતી અને યુવકે આપઘાત કેમ કર્યો અને તે ક્યાંનો વતની છે તે જાણવા તપાસ હાથ ધરી હતી. અત્યારે અકસ્માતે મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.