
નાણાંકિય વર્ષના અંતે ગ્રામ પંચાયતોમાંથી વેરાની વસુલાત 100 ટકા કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમાં જિલ્લાના 288 ગામોના તલાટીઓને દર મહિને 10 ટકા વેરાની વસુલાત કરવાનો આદેશ જિલ્લા વિકાસ અધિકારીએ કર્યો છે. જોકે ચાલુ નાણાંકિય વર્ષના ત્રણ માસમાં જિલ્લામાંથી અત્યાર સુધી સરેરાશ 11.42 ટકા જ વેરાની વસુલાત કરવામાં આવી છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારીની દર મહિને 10 ટકા વેરાની વસુલાતનું આયોજન તલાટીઓ દ્વારા સફળ કરાશે કે નહી તે તો આગામી સમય જ બતાવશે.
રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લામાંથી દર વર્ષે નાણાંકિય વર્ષમાં ગ્રામ પંચાયતોમાંથી વેરાની વસુલાત 100 ટકા સુધી થઇ જ નથી. ગ્રામ પંચાયતોમાંથી વેરાની વસુલાત 50થી 60 ટકા જેટલી જ થાય છે. આથી વેરાની નબળી વસુલાતને પગલે તેના આધારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત મળતી ગ્રાન્ટમાં કાપ આવે છે. કેમ કે રાજ્ય સરકારના નિયમ મુજબ ગ્રામ પંચાયતોમાંથી કરેલા વેરાની વસુલાતના આધારે નિયત કરેલા નિયમોનુસાર એટલા પ્રમાણમાં ગ્રાન્ટ ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવે છે.
ત્યારે ગ્રામ પંચાયતોમાંથી વેરાની વસુલાત સઘન થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી બી.જે.પટેલ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે દરેક ગ્રામ પંચાયતોમાંથી દર મહિને 10 ટકા ફરજિયાત વસુલાત કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. વેરાની દર મહિને 10 ટકા વસુલાત કરવા માટે તલાટીઓને સૂચના આપીને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી અને બે નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓના માર્ગદર્શનના આધારે દર મહિને 10 ટકા વેરાની વસુલાત કેવી રીતે સફળ કરવી તેની જાણકારી પણ આપવામાં આવી છે.
જિલ્લાની 288 ગ્રામ પંચાયતોમાંથી ચાલુ નાણાંકિય વર્ષના છેલ્લા ત્રણ માસમાં વેરાની વસુલાત સરેરાશ 11.42 ટકા જ થઇ છે. ત્યારે તેમાં દહેગામ તાલુકાના તલાટીઓને વેરા વસુલાતમાં રસ નથી તેમ છેલ્લા ત્રણ માસમાં કરેલી 7.8 ટકા વેરાની વસુલાત ઉપરથી લાગી રહ્યું છે. તેવી જ રીતે માણસા તાલુકાના ગામડાના તલાટીઓને પણ છેલ્લા ત્રણ માસમાં વેરાની વસુલાત 9.41 ટકા જ કરી છે. જ્યારે ગાંધીનગર તાલુકાના ગ્રામ પંચાયતોના તલાટીઓએ પણ છેલ્લા ત્રણ માસમાં વેરાની વસુલાત 10.32 ટકા જ કરી છે. જિલ્લાના ચારેય તાલુકામાંથી એક માત્ર કલોલ તાલુકાની ગ્રામ પંચાયતોના તલાટીઓએ છેલ્લા ત્રણ માસમાં વેરાની વસુલાત 14.73 ટકા કરી છે.