
ગાંધીનગર મેડિકલ કોલેજના અધિક ડીન તરીકે બે તબીબોને અને સિવિલ હોસ્પિટલના અધિક તબીબ અધિક્ષક તરીકે એક તબીબને જવાબદારી સોંપવાનો આદેશ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા કર્યો છે. તેમાં અધિક ડીન તરીકે ફાર્માકોલોજી અને ફિઝિયોલોજી તબીબોની પસંદગી કરાઇ છે. જ્યારે અધિક તબીબી અધિક્ષક તરીકે ઓપ્થેલ્મોલોજી તબીબની પસંદગી કરવામાં આવી છે. જોકે જીએમઇઆરએસએ અધિક ડીન અને અધિક તબીબી અધિક્ષક અન્ય તબીબોને આપવામાં આવ્યો હોવાથી તેઓએ રસ નહીં દાખવતા નિર્ણય લેવાયાની ચર્ચા જોવા મળી રહી છે.
ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર મેડિકલ કોલેજ અને તેને સંલગ્ન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અધિક ડીન અને અધિક તબીબી અધિક્ષક તરીકેનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે વહિવટી કામગીરી સરળ બની રહે તે માટે સિવિલ હોસ્પિટલના અધિક તબીબી અધિક્ષક તરીકે અગાઉ ડર્મેટોલોજી વિભાગના તબીબ ડો.બેલા પઢીયારને અને મદદનીશ તબીબી અધિક્ષક તરીકે ઓપ્થેલ્મોલોજીના તબીબ ડો.જીગીશ દેસાઇને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. પરંતુ ડો.બેલા પઢિયાર અધિક તબીબી અધિક્ષક તરીકે ચાર્જ નહીં સંભાળવાની રજુઆત કરી હતી.
આથી અધિક તબીબી અધિક્ષક તરીકે ડો.જીગીશ દેસાઇને આપવામાં આવ્યો છે. જ્યારે મદદનીશ તબીબી અધિક્ષક તરીકે માઇક્રોબાયોલોજીના તબીબ ડો. ગૌરીશંકર શ્રીમાળીને આપવામાં આવ્યો છે. જ્યારે ગાંધીનગર મેડિકલ કોલેજના અધિક ડીન તરીકે ફાર્માકોલોજીના તબીબ ડો.દર્શન દવે અને ફિઝિયોલોજીના તબીબ ડો.અમીત ઉપાધ્યાયને સોંપવામાં આવ્યો છે. જ્યારે મદદનીશ ડીન તરીકે એનાટોમીના તબીબ ડો.સુદર્શન ગુપ્તાને ચાર્જ સોંપવાનો ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા આદેશ કરાયો છે. જોકે સિવિલ હોસ્પિટલમાં હાલમાં ઓપીડીમાં દરરોજ 3000 દર્દીઓ નિદાન અને સારવાર લઇ રહ્યા છે.
જ્યારે ઇન્ડોરમાં 400થી 450 જેટલા દર્દીઓ નિદાન અને સારવાર લઇ રહ્યા છે. આથી વહિવટી સરળતા ખાતર અધિક અને મદદનીશ તબીબ અધિક્ષકની નિમણુંક કરાઈ હોવાની ચર્ચા સિવિલના તબીબોમાં જોવા મળી રહી છે. તેવી જ રીતે મેડિકલ કોલેજમાં પીજીની જગ્યાઓમાં વધારો થાય તો વહિવટી સરળતા રહે તે માટે નિમણુંક કરાઈ હોવાની ચર્ચા મેડિકલ કોલેજના કર્મચારીઓમાં જોવા મળી રહી છે.