
જિલ્લા પંચાયતની વર્તમાન બોડીને ખેડુતોની ચિંતા જ નથી તેમ ધમાસણા સીડ ફાર્મમાં બિયારણ ઉગે તે દિશામાં નક્કર આયોજન સાથે કામ કરવું નથી. તેમ ધમાસણા સીડ ફાર્મની જમીન સરકારમાં સોંપી દેવાનો નિર્ણય આગામી 24મી, ગુરુવારે મળનારી સામાન્ય સભામાં લેવાશે તેના ઉપરથી લાગી રહ્યું છે. આગામી સમયમાં આ રીતે અન્ય બે સીડ ફાર્મની જમીન પણ સરકારને પધરાવી દેવાય તેવી પણ શક્યતા રહેલી છે. વધુમાં વિકાસના 12.50 કરોડના કામોને મંજૂરી આપવામાં આવશે. રેવન્યુ વિલેજનો દરજ્જો આપવા તેમજ નબળી તાલુકા પંચાયતમાં વેરાની વસુલાતથી આર્થિક સદ્ધર કરવાને બદલે અનુદાન ફાળવીને ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો જેવી સ્થિતિ બની રહેશે.
ભારત દેશ ખેતીપ્રધાન દેશ હોવાથી દેશના વિકાસમાં ખેડૂતો કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે. આથી ખેડુતોને બિયારણની સાથે સાથે ખેત ઉપજને ટેકાના ભાવે ખરીદી કરવામા સહિતનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. આથી જિલ્લાના ખેડુતોને બિયારણ મળી રહે તે માટે સીડ ફાર્મ માટે જમીન જિલ્લા પંચાયતને આપવામાં આવે છે. પરંતુ સીડ ફાર્મમાં બિયારણનું ઉત્પાદન થાય અને તેનાથી ખેડુતોને ફાયદો થાય તે માટે જિલ્લા ખેતીવાડી વિભાગને સીડ ફાર્મ માટે જમીન આપવામાં આવે છે. પરંતુ વર્તમાન જિલ્લા પંચાયતના શાસક માટે ખેડૂતોના માટે ધમાસણા સીડ ફાર્મમાં બિયારણનું ઉત્પાદન થાય તે માટે નક્કર આયોજન કરવામાં આવ્યું નથી.
પરંતુ ધમાસણા સીડ ફાર્મની જમીનને સરકારમાં પરત આપવાનો નિર્ણય વર્તમાન શાસકપક્ષે લીધો હોય તેમ સામાન્ય સભાના એજન્ડામાં કરાયેલા સમાવેશ ઉપરથી લાગી રહ્યું છે. આથી 24મી, ગુરુવારે જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પા જયેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળનારની સામાન્ય સભામાં મંજૂરીનો ઠરાવ કરવા એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ રીતે જિલ્લાના અન્ય બે સીડફાર્મની કિંમતી જમીનને પણ આગામી સમયમાં સરકારમાં પધરાવી દેવાય તેવી શક્યતા પણ રહેલી છે.
વધુમાં જિલ્લાની નબળી તાલુકા પંચાયતને આર્થિક રીતે સદ્ધર કરવા માટે તાબાની ગ્રામ પંચાયતોમાંથી વેરાની સઘન વસુલાત કરવા માટે નક્કર કોઇ જ આયોજન કરવામાં આવ્યું નથી. પરંતુ નબળી તાલુકા પંચાયતને અનુદાન આપવાનો નિર્ણય પણ સામાન્ય સભામાં લેવાશે. આથી ઘરના છોકરા ઘંટી ચાટે અને પડોશીને આટો જેવી સ્થિતિ બની રહેવાની પણ શક્યતા રહેલી છે. કેમ કે જિલ્લાની આંગણવાડીઓ, આરોગ્ય કેન્દ્રો, શાળાઓના બિલ્ડીંગ, જિલ્લા પંચાયતના બિલ્ડિંગને મરામત કરવામાં સ્વભંડોળના નાણાંનો ઉપયોગ કરાય તેવી અપેક્ષા કર્મચારીઓ અને સદસ્યો સહિત રાખી રહ્યા છે.