
ગાંધીનગરમાં પાટનગર યોજના વિભાગ દ્વારા પાણી વિતરણ અને ગટર વ્યવસ્થાની કામગીરી કરવામાં આવે છે જેની સામે વેરાની વસૂલાત પૂરતા પ્રમાણમાં થઇ શકતી નથી. ઝુંબેશના અંતે પણ માત્ર 45 લાખની આવક થતાં હવે બાકીદારોને નોટિસ ફટકારવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
પાટનગર યોજના વિભાગ દ્વારા દર વર્ષે માર્ચ મહિનામાં એડવાન્સ વેરો વસૂલવામાં આવે છે જ્યારે આ દરમિયાન વેરો ભરનારને વળતરનો લાભ પણ પૂરો પાડવામાં આવતો હોય છે. તેમ છતાં લાખોના લેણાં બાકી રહે છે. પાટનગર યોજના વિભાગ દ્વારા પ્રથમવાર ઓનલાઇન વેરા વસૂલાત કરવામાં આવી હતી. આમ છતાં વસૂલાતની કામગીરીમાં કોઈ ખાસ સુધાર આવ્યો નથી. હવે પાટનગર યોજના વિભાગ દ્વારા બાકીદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. તેના આધારે આગામી દિવસોમાં નોટિસ ફટકારીને વેરાની વસૂલાત કરાશે. પાણી આવશ્યક સેવા હોવાને કારણે બાકી વેરો હોવા છતાં તંત્ર દ્વારા જોડાણ કાપવા જેવા પગલાં ભરવામાં આવતાં નથી. જ્યારે ડ્રેનેજ વેરો બાકી હોય તેવા કિસ્સામાં તંત્ર દ્વારા નિયમોનુસાર વ્યાજ પણ વસૂલવામાં આવતું હોય છે. સેક્ટર વિસ્તારના રહીશો દ્વારા હજુ વેરાની ચૂકવણી મામલે ઉત્સાહ દાખવવામાં આવે છે પરંતુ શહેરી ગામડાના બાકીદારોની યાદી લાંબી હોય છે.