
ગાંધીનગર શહેરમાં ચોમાસા દરમિયાન જર્જરિત આવાસો તૂટી ન પડે તે માટે તેને ખાલી કરાવવા અને સાવચેતીના પગલાં લેવા માટે મહાનગરપાલિકા દ્વારા નોટીસ આપવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેના પગલે અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના અને હાઉસિંગ બોર્ડ હસ્તકના કુલ 188 ભયજનક આવાસોને નોટીસ ફટકારવામાં આવી છે અને તાત્કાલિક તેમાંથી કબજા ખાલી કરાવવા જણાવવામાં આવ્યું છે. વડોદરાનો ગંભીરા બ્રિજ ધરાશાયી થયા બાદ મુખ્યમંત્રીની સૂચનાથી જિલ્લાના તમામ બ્રિજની ચકાસણી કરી ક્ષતિગ્રસ્ત જણાયેલા બ્રિજ બંધ કરવામાં આવી રહ્યા છે. આ સાથે શહેરના બિસમાર માર્ગોની સુધારણાની કામગીરી પણ ચાલી રહી છે ત્યારે નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઇને મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા જર્જરિત- ભયજનક આવાસોનો સરવે કરવામાં આવ્યો હતો. હાલની સ્થિતિએ માર્ગ અને મકાન વિભાગ તેમજ હાઉસિંગ બોર્ડ હસ્તકના આવાસો ભયજનક જણાયા છે. જે પૈકી માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કુલ 1275 સરકારી આવાસો ભયજનક કેટેગરીમાં છે. આમાંથી 400 જેટલા આવાસ તોડી પાડવામાં આવ્યા છે જ્યારે 738 આવાસ તોડી પાડવાની કાર્યવાહી ચાલું છે. આવા 137 જર્જરીત મકાનોને તાત્કાલિક ખાલી કરવા નોટીસ આપવામાં આવી છે. હાઉસિંગ બોર્ડના 807 ભયજનક આવાસો પૈકી 180 આવાસ તોડી પાડવામાં આવ્યા છે. 576 મકાન તોડી પાડવાની કાર્યવાહી હાલ ચાલુ હોવાનું જણાવાઇ રહ્યું છે જ્યારે 51 મકાનમાંથી વસવાટ ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવી છે.