
ઉપરવાસથી સાબરમતી નદીમાં સતત પાણીની આવક ચાલુ જ રહેતા સંત સરોવરમાંથી સતત 11 દિવસે પણ દરવાજો ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જોકે ત્રણેક દિવસ પહેલાં ઉપરવાસમાંથી પાણીની સારી આવકને પગલે સંત સરોવરના બે દરવાજા ખોલવા પડ્યા હતા. પરંતું એક દરવાજો તો માત્ર બારેક કલાકમાં જ બંધ કરી દીધો હતો. હાલમાં ઉપરવાસથી પ્રતિ કલાક 148 ક્યુસેક પાણીની આવક ચાલુ હોવાથી સંત સરોવરનો એક દરવાજો અડધો ફુટ ખોલીને પ્રતિ કલાક 227 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
સાબરમતી નદીને અગાઉની જેમ બારેમાસ પાણીથી ભરચક રાખવા તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી નદીમાં થોડાક થોડાક અંતરે વીયર બનાવવામાં આવ્યા છે. તેમાં સાબરમતી નદી ઉપર લાકરોડા અને સંત સરોવર વીયર બનાવવામાં આવ્યો છે. જ્યારે આગામી સમયમાં અંબોડથી સાદરા વચ્ચે બનેલા પુલમાં પણ સંત સરોવર જેવા દરવાજા મુકીને વીયર બનાવવામાં આવી રહ્યો છે.
વધુમાં મહેસાણા જિલ્લામાં સાબરમતી નદીમાં અમુક અમુક અંતરે વીયર બનાવ્યા છે. ચાલુ વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદથી એક મહિનો વહેલા સાબરમતી નદીમાં પાણીની આવક થતાં માત્ર નવ દિવસમાં જ સંત સરોવર વીયર છલોછલ થઇ જતા એક દરવાજો એક ફુટ ગત 9મી, જુલાઇના રોજ ખોલવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપરવાસમાંથી પાણીની સતત આવક ચાલુ રહેતા સંત સરોવરનો એક દરવાજો છેલ્લા 11 દિવસથી ખુલ્લો રાખવામાં આવ્યો છે.
ઉપરવાસમાં એટલે રાજસ્થાનના વિસ્તારોમાં સારા વરસાદને પગલે સાબરમતી નદી ઉપરના ધરોઇ ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહે છે. છેલ્લા પંદરેક દિવસથી ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતા હાલમાં ધરોઇ ડેમ 76 ટકા ભરાઇ ગયો છે. હાલમાં ધરોઇ ડેમમાં પ્રતિ કલાક 2291 ક્યુસેક પાણીની આવકથી ધરોઇ ડેમની હાઉસફુલની 615 ફુટની કેપેસીટીની સામે ધરોઇ ડેમમાં 551.47 એમસીએમ પાણીનું સ્ટોરેજ છે.