
બેફામ વાહન ચલાવનાર હિતિયાની હિરોગીરી સામે ગૃહ મંત્રીએ ફાસ્ટ ઝડપી એક્શન લેવા આદેશ



ગાંધીનગર
ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. રાંદેસણના ભાઇજીપુરાથી સિટીપલ્સવાળા સર્વિસ રોડ પર અકસ્માત સર્જાયો હતો. નશાની હાલતમાં ટાટા સફારી કારના બેદરકાર ચાલકે રાહદારી અને વાહનચાલકોને અડફેટે લેતાં આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 4 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જીજે 18 ઈઈ 7887 નંબરની ટાટા સફારી કારના ચાલકે ફુલસ્પીડમાં કાર હંકારતાં રસ્તા પર ચાલતા લોકો અને વાહનચાલકોને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કાર હિતેશ વિનુભાઇ પટેલના નામે નોંધાયેલી છે અને અકસ્માત સર્જનાર કોઈ અન્ય ચાલક હોવાનું સામે આવ્યું છે.
સુકન હાઈટ્સમાં રહેતાં એક મહિલા પ્રત્યક્ષદર્શી ઈલાબેન પટેલે જણાવ્યું હતું કે, જેવી હું બહાર નીકળી ત્યારે સામે જોયું તો એક કાર અથડાઈ. એમાં ઓન ધી સ્પોટ એ ભાઈનું મોત થઈ ગયું હતું. જ્યારે નજીક ગઈ ત્યારે લોકો ભેગા થઈ ગયા હતા. એ ગાડીમાં જે બે પર્સન હતા, એમને કાઢવા માટે મથી રહ્યા હતા. પરંતુ એ લોકો એટલા જિદ્દી હતા કે નીકળતા જ ન હતા. મારીને પરાણે એમને કાઢ્યા હતા. જેણે અકસ્માત કર્યો તેણે અનહદ પીધેલો હતો. એટલું બધું ડ્રિંક્સ કરેલું એમણે કે એ ઊભા રહેવાની સ્થિતિમાં ન હતો. બધા લોકોએ એને માર્યો અને સાઈડમાં ઊભો રાખ્યો. પછી કહ્યું કે હવે આપણે એને મારવાની જરૂર નથી. સાઈડમાં બેસાડી દો પોલીસ આવીને જોશે. પરંતુ પોલીસ ક્યારે આવી 20થી 25 મિનિટ પછી. ત્યાં સુધી ત્યાં લાશ પડી રહી હતી. ના કોઈ એમ્બ્યુલન્સ આવી. તરત કોઈ એમ્બ્યુલન્સ ન આવી. કોઈ બેને એને દુપટ્ટો ઓઢાડ્યો. એક બેને ઓન ધી સ્પોટ મરી ગયા છે. આ જગ્યાએ ત્રણથી ચાર જગ્યાએ એક્સિડન્ટ કર્યુ છે એ ભઈએ. આગળ કેટલાને કરીને લઈને આવ્યા હતા. આ ઘટનામાં ત્રણથી ચાર લોકોના મોત થયા છે.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, સવારે સાડા દસ વાગ્યાની આસપાસ એક ટાટાની કાર લઇને ભાઇ આવતા હતા, જે ફૂલ નશાની હાલતમાં હતા. જેમણે ત્રણ-ચાર વાહનોને અડફેટે લીધા હતા. અમે ત્રણ-ચાર ડેડબોડી જોઇ છે, હજી વધારે મોત થઇ શકે છે. પછી 108 આવીને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા.
જે શુકન સ્કાય બિલ્ડિંગના સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઇ એના ચેરમેનના પતિ અરવિંદ પટેલે જણાવ્યું કે, અમે સીસીટીવી જોયા એ મુજબ ગાડીની સ્પીડ લગભગ 100થી વધુ હશે. એક ગાડીને અડફેટે લઇને એ લાશને લઇને આવે છે અને બાદમાં અન્ય ટુ-વ્હીલરને અડફેટે લે છે. હિતેશ પટેલ ગાંધીનગરના પોર ગામનો રહેવાસી છે. જે સવારથી જ નશાની હાલતમાં ગાડી લઇને નીકળ્યો હતો. સર્વિસ રોડ ઉપર એકસોથી વધુની સ્પીડથી ગાડી હંકારી ત્રણથી ચાર અકસ્માતની હારમાળા સર્જી હતી. જેમાં પ્રાથમિક રીતે ચાર લોકોના મોત થયા, અન્ય ઇજાગ્રસ્ત છે.
પોલીસે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોનાં નિવેદનોના આધારે અકસ્માતની તપાસ હાથ ધરી છે. દરમિયાન પોલીસ કારના બેદરકાર ચાલકને રાઉન્ડઅપ કરી લીધો હોવાની વિગત સામે આવી છે.
ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને રોષ ફેલાવ્યો છે. લોકો વાહનચાલકોને વધુ જવાબદાર બનવાની અપીલ કરી રહ્યા છે અને બેદરકારીભર્યા ડ્રાઈવિંગ સામે કડક પગલાં લેવા માટે માગ કરી રહ્યા છે.