
નારણપુરામાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાછળની ગલીમાંથી પીસીબીએ દારૂની 241 બોટલ ભરેલી 2 કાર સાથે 2 બુટલેગરની ધરપકડ કરી હતી. બંને બુટલેગર એક ગાડીમાં રાજસ્થાનથી દારૂ લઈને આવતા હતા. ત્યાર બાદ તે ગાડી ગમે તે વિસ્તારમાં ઊભી રાખી દેતા હતા અને બીજો બુટલેગર તે ગાડીમાંથી દારૂની બોટલો બીજી ગાડીમાં લઈને બીજા જ વિસ્તારમાં ડિલિવરી કરવા જતો હતો.
બાતમીના આધારે પીઆઇ જે. પી. જાડેજાએ ટીમ સાથે દરોડો પાડ્યો હતો. દરમિયાન ત્યાંથી 2 ગાડી પકડાઈ હતી. પોલીસે દારૂની 241 બોટલ સાથે પોલીસે રાજસ્થાનના પૂરારામ દેવારામ ચૌધરી અને ઓમ પ્રકાશ મોડારામ ચૌધરીને ઝડપી લીધા હતા.
પોલીસે રૂ.2.89 લાખની કિંમતનો દારૂ, 2 કાર, 4 ફોન અને રોકડા રૂ.2040 મળીને કુલ રૂ.17.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંનેએ પૂછપરછમાં કહ્યું હતું કે તેઓ રાજસ્થાનના બુટલેગરો પાસેથી દારૂ લાવતા હતા. પૂછપરછમાં ગીતામંદિરના બુટલેગર અબ્દુલ શેખ અને ઘીકાંટાના બુટલેગર રામારામ મુલારામ દરજીનાં નામ ખૂલ્યાં હતાં.