
અમદાવાદમાં હાઉસિંગ બોર્ડની અંદાજિત 80 સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં ગઈ છે, જેમાંથી 23 સોસાયટીમાં ડેમોલિશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને 7 સોસાયટીના હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યા છે, જ્યારે બાકી રહેલી સોસાયટીઓમાં પણ અસંમત સભ્યોએ કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે. હાઉસિંગ બોર્ડનાં મકાનોમાં રહેતા સભ્યો જો રિડેવલપમેન્ટની કામગીરીમા અસંમતિ દર્શાવતા હોય તો તેઓને સૌપ્રથમ કોમ્પિટેન્ટ ઓથોરિટી હાઉસિંગ બોર્ડની કચેરીમાં સાંભળવામાં આવે છે. ત્યાર બાદ એપિલેટ ઓથોરિટીમાં સુનાવણી થાય છે. તેમાં શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ હોય છે. જો તેના ચુકાદાથી સભ્યો સંમત ન હોય તો તેઓ હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે.
જોકે હાલમાં કોર્ટમાં જે મામલો પહોંચ્યો છે તેમાં મોટા ભાગના લોકો રિડેવલપમેન્ટ માટે માની ગયા છે, પરંતુ હજુ ઘણા રહીશોએ વાંધો ઉઠાવતા મામલો પેન્ડિંગ છે. આ અંગે હાઉસિંગ બોર્ડના અધિકારીએ જણાવ્યું કે, આવા મામલા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ચુકાદો આપવો જોઈએ, જેથી રિડેવલપમેન્ટની અટકી પડેલી કામગીરી પણ સમયસર પૂરી થઈ શકે. શાસ્ત્રીનગરમાં આવેલા મકાનોની હાલત જર્જરિત છે. મકાનોના સળિયા દેખાઈ રહ્યા છે, પણ લોકો તેમાં રહેવા મજબૂર બન્યા છે. મ્યુનિ.એ પણ મકાનોને જર્જરિત જાહેર કર્યા છે છતા તેમાં લોકો વસવાટ કરે છે. કેટલાક રહીશોનું કહેવું છે કે, કોઈ પણ દુર્ઘટના સર્જાય તો રિડેવલપમેન્ટ માટે અસંમતિ દર્શાવતા લોકો જ જવાબદાર ગણાવશે.