
ગુજરાત એસટી નિગમ ઓગસ્ટમાં આવતા રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો દરમિયાન બસોના રેગ્યુલર સંચાલન ઉપરાંત એક્સ્ટ્રા ટ્રિપોનું સંચાલન કરશે. તેની સાથે જ જો કોઈ રૂટ પર વધારે ભીડ જણાશે તો ત્યાં પણ વધારાની બસો દોડાવવા તમામ ડેપોના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
નિગમના અધિકારીએ જણાવ્યું કે, ગયા વર્ષે 2024માં રક્ષાબંધન અને જન્માષ્ટમી દરમિયાન નિગમે અમદાવાદ સહિત રાજ્યભરના તમામ મુખ્ય ડેપોથી 6 હજારથી વધુ એક્સ્ટ્રા ટ્રિપોનું સંચાલન કર્યું હતું, જેમાં 3.15 લાખથી વધુ પેસેન્જરોએ મુસાફરી કરી હતી. આથી આ વર્ષે પણ ગુજરાત એસટી નિગમ દ્વારા તહેવારોના દિવસોમાં પેસેન્જરો માટે 6500થી વધુ એક્સ્ટ્રા ટ્રિપોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ તો રક્ષાબંધનના તહેવારમાં જિલ્લા મથક તેમ જ તાલુકા મથક ઉપરાંત અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા જેવાં શહેરી વિસ્તારોમાં જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા એસટી બસોનું સંચાલન કરવામાં આવશે.
જન્માષ્ટમીના તહેવારો દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા મુખ્ય મથકથી ડાકોર, દ્વારકા, શામળાજી જેવા તીર્થ સ્થળો માટે જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદથી તહેવારો દરમિયાન વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, મહેસાણા જેવા મુખ્ય મથકો માટે એસટી બસોની 800થી 1000 જેટલી વધારાની ટ્રિપો દોડાવવામાં આવશે.