
અમદાવાદમાં ખાનગી કંપનીના સંચાલકોએ યુવક સાથે મોબાઇલ આપવાની લાલચ આપીને 1.90 કરોડની છેતરપિંડી કરી છે. આ કંપનીના સંચાલકોએ રોકાણકારોને મોબાઈલ ફોનના B2B ટ્રેડિંગમાં ઉંચા વળતરની લાલચ આપી હતી. તેઓ ગ્રાહકોને સમજાવતા હતા કે, કંપની iPhone 16-E, iPhone 15-128GB, અને iPhone 16 128GB જેવા મોંઘા મોબાઈલ ફોન બલ્કમાં ખરીદીને વેચાણ કરશે અને તેના પર સારો નફો મળશે. રોકાણકારોને ખાતરી આપવામાં આવી હતી કે તેમનું રોકાણ સુરક્ષિત છે અને તેમને નિયમિતપણે મોટો નફો મળશે. કંપનીએ ખાતરી આપી હતી કે તેઓ રોકાણકારો વતી B2B ટ્રેડિંગ કરીને તેમને વચન મુજબનું વળતર આપશે. જોકે કરોડો રૂપિયા લીધા બાદ પૈસા પરત ન આપતા યુવકે ફરિયાદ નોંધાવી છે.
વિશાલ ગોકલાણી નામનો યુવક મોબાઇલનો મોટા પાયે વેપાર કરે છે. વિશાલનો સંપર્ક SIA TRADING INDIA PVT. LTD. કંપનીના માલિક અભિષેક જૈન, સોયબ, દિવ્યા ગુડવાલા, નિર્મલ, અશોક અને અનુરાધા સહિતના વ્યક્તિઓ સાથે થયો હતો. આ લોકોએ વિશાલને સસ્તામાં ફોન લાવીને બ્લેકમાં વેચીને નફો કરવાની સ્કીમ સમજાવીને કૂલ 1,90,92,400 રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે, કંપનીના માલિકો દ્વારા મોબાઈલ ફોન કે વળતરમાંથી કશું જ આપવામાં આવ્યું ન હતું. વિશાલને સતત જુદા જુદા બહાના હેઠળ વાયદાઓ આપવામાં આવતા હતા, પરંતુ કોઈ સંતોષકારક જવાબ કે નાણાં પાછા મળ્યા ન હતા. વિશાલને જાણ થઈ હતી કે સાથે છેતરપિંડી થઈ છે જેથી ક્રાઈમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.