
વડનગર તાલુકાના શાહપુર(વડ) ગામે આવેલ બોરીયાપુર ચરામાં કેટલાક લોકો શેરબજારના ડબ્બા ટ્રેડિંગનું કામ કરતા હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસની ટીમે સ્થળ પર રેડ પાડી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીઓ ગ્રાહકોના નંબરના લિસ્ટ આધારે તેમને ફોન કરતા હતા. તેઓ પોતાને સ્વામ સ્ટોક એડવાઈઝરીના એજન્ટ હોવાનું કહી શેરબજારમાં રોકાણ કરવાથી સારો લાભ થતો હોવાની લાલચ આપી છેતરપિંડી આચરતા હતા. પોલીસે સ્થળ પરથી 11 મોબાઈલ અને 8 સીમકાર્ડ સહિત રૂ.43,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. કુલ 7 શખ્સો વિરુદ્ધ વડનગર પોલીસ મથકે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પકડાયેલા આરોપીઓમાં ઠાકોર જીજ્ઞેશ રમેશજી (25 વર્ષ), ઠાકોર બેચર ફતાજી (34 વર્ષ) અને ઠાકોર વિજય વિષ્ણુજી (29 વર્ષ) – ત્રણેય શાહપુર બોરીયાપરા, વડનગરના રહેવાસી છે. વોન્ટેડ આરોપીઓમાં ઠાકોર અર્જુન મનુજી, ઠાકોર મેહુલ રૂપસંગજી (શાહપુર મોચીવાડો, વડનગર), ઠાકોર અશ્વીન અમરતજી (લીલાપુરા-કહીપુર, વડનગર) અને ઠાકોર સંજય રાજુજી (મોચીવાડો શાહપુરવડ, વડનગર) સામેલ છે.