હિંમતનગર તાલુકાના ગાંભોઇથી વાંકાનેર સુધીના રોડ માટે 33 કિ.મી. રોડનું વિસ્તૃતિકરણનું ખાતમુહૂર્ત

Spread the love

 

હિંમતનગર તાલુકાના ગાંભોઇથી વાંકાનેર સુધીના રોડ પર દિનપ્રતિદિન વાહનોની અવરજવરમાં વધારો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 33 કિલોમીટર રોડના વિસ્તૃતિકરણ માટે અંદાજે 36 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કર્યો છે.
આજે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા તથા અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંભોઇ ખાતે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે હિંમતનગર તાલુકા ભાજપ પ્રમુખ હિતેષ પટેલ સહિત સ્થાનિક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. હાલમાં આ રોડની પહોળાઈ સાત મીટર છે, જેને વધારીને 10 મીટર કરવામાં આવશે. રોડના વિસ્તૃતિકરણનું કામ પૂર્ણ થયા બાદ ગાંભોઈ, માનપુર, ગોપાલકુંજ, પુનાસણ, બામણા, વાંટડી, રાજેન્દ્રનગર, હરીપુરા સહિતના અન્ય ગામોની પ્રજાને લાભ મળશે. ગાંભોઇથી વાંકાનેર થઈને ભિલોડા પહોંચી રાજસ્થાન તરફ જતાં વાહન ચાલકો આ ટૂંકા રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે. રોડનું વિસ્તૃતિકરણ થવાથી વાહન વ્યવહાર વધુ સરળ બનશે. અન્ય કાર્યક્રમમાં, હિંમતનગર તાલુકાના નવ ગામોને સ્વચ્છતા મિશન અંતર્ગત ઇ-રિક્ષા અર્પણ કરવામાં આવી. જામળા, દાલપુર, માનપુર (બા), ધુલેટા, બાખોર, વાસણા, સૂરજપુરા, કડોદરી અને બાખોર ગામોને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ઇ-રિક્ષા હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, હિતેન્દ્રભાઈ પટેલ, ભગીરથસિંહ ઝાલા, નરસિંહભાઈ પટેલ તેમજ જિલ્લા અને તાલુકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *