
કોડીનારની કે.ડી.બારડ હાઈસ્કૂલના 150થી વધુ વિદ્યાર્થીઓએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિના વિવિધ પાસાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશન હેઠળ રાજ્યમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પણ આ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વિસ્તરણ વિષય નિષ્ણાંત પૂજાબેન નકુમે વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિ વિશે વિગતવાર માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને માટી, બીજ, છોડ, પાણી, સિંચાઈ, ખેડ, ખાતર અને બિયારણ જેવી પ્રાકૃતિક કૃષિની મૂળભૂત જરૂરિયાતો વિશે સમજાવવામાં આવ્યું હતું. પાક સંરક્ષણ માટે પ્રાકૃતિક ઉપાયો અંતર્ગત જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિઅસ્ત્ર જેવા પ્રાકૃતિક ઉપાયો વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ તમામ પ્રકારની જીવાત અને ફૂગના નિયંત્રણ માટે દશપર્ણી અર્કનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પ્રાકૃતિક રીતે જીવાત નિયંત્રણ દવાઓ બનાવવાની પદ્ધતિ, તેના છંટકાવની રીત અને રાસાયણિક દવાઓથી થતી આડઅસરો વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક કૃષિના વિવિધ તબક્કાઓ અને આયામો વિશે મહત્વપૂર્ણ જાણકારી મેળવી હતી.