
ગીર સોમનાથના પ્રભાસપાટણના ઘાંચીવાડા વિસ્તારમાં વહેલી સવારે બે દીપડા ઘૂસી આવતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. અતિ ગીચ માનવ વસાહતમાં હિંસક દીપડાઓના પ્રવેશથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, વન વિભાગની ટીમે બે કલાકની સઘન જહેમત બાદ એક દીપડાને સફળતાપૂર્વક પાંજરે પૂરી ભયનો અંત લાવ્યો છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, આજે સવારે લગભગ ચાર વાગ્યે બે દીપડા ઘાંચીવાડા વિસ્તારમાં પ્રવેશ્યા હતા. આ દીપડાઓએ એક મકાનના વાડામાં ઘૂસીને બે બકરાનું મારણ કર્યું હતું, જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.
મારણ બાદ, એક દીપડો રહેણાક મકાનના એક ઓરડામાં ઘૂસી ગયો હતો. સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને તેને અંદર જ પૂરી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દીપડાને જોવા માટે ઘટનાસ્થળે લોકોના ટોળાં એકત્રિત થવા માંડ્યા હતા, જેને કારણે પોલીસે તેમને વિખેરવાની કામગીરી કરવી પડી હતી, જેથી રેસ્ક્યૂ ઓપરેશનમાં કોઈ અવરોધ ન આવે. વન વિભાગની ટીમે વેટરનરી ડોક્ટરની ટીમ સાથે મળીને દીપડાને રેસ્ક્યૂ કરવાની કવાયત હાથ ધરી હતી. લગભગ બે કલાકની સઘન જહેમત બાદ, ડોક્ટરો દ્વારા દીપડાને ટ્રેન્ક્યુલાઈઝ કરીને બેહોશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં આવ્યો હતો. RFO (વેરાવળ રેન્જ) કે. ડી. પંપાણીયાએ જણાવ્યું કે, “રેસ્ક્યૂ કરાયેલ દીપડો અંદાજે 1 થી 2 વર્ષની ઉંમરનો નર દીપડો છે. સફળ રેસ્ક્યૂ બાદ આ દીપડાને વધુ સંભાળ અને નિરીક્ષણ માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે”.
ગીચ માનવ વસાહતમાં દીપડો ઘૂસી આવવાની અને બે બકરાના મારણની ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે ચિંતા હતી, પરંતુ વન વિભાગની ઝડપી અને સફળ કામગીરીને કારણે હવે ભયનો અંત આવ્યો છે અને સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે.