
ગુજરાત યુનિવર્સિટી દ્વારા એલએલએમ સેમેસ્ટર-2ની પરીક્ષા ગત મે માસમાં લેવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થયાને 65 દિવસ જેટલો સમય થવા છતાં હજુ પરિણામ પ્રસિદ્ધ કરવામાં નહીં આવતા વિદ્યાર્થીઓને એલએલએમ સેમેસ્ટર-3માં પ્રવેશ મેળવવાને લઇને વિદ્યાર્થીઓની અસમંજસ જેવી સ્થિતિ બની રહેવા પામી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવશે કે હજુ વિદ્યાર્થીઓને રાહ જોવી પડશે તે તો આગામી સમય જ બતાવશે. ચાલુ વર્ષે શૈક્ષણિક વર્ષ-2025-26ના પ્રારંભ થયાને દોઢ માસ જેટલો સમય થયો છે. ત્યારે હાલમાં પ્રવેશ સહિતની કામગીરી મોટાભાગની ફેકલ્ટીની પૂર્ણ થઇ જવા આવી છે.
જ્યારે હાલમાં મેડિકલ, પેરા મેડિકલ, આયુર્વેદ, હોમિયોપેથી સહિતના ફેકલ્ટીમાં પ્રવેશની કામગીરી હજુ ચાલુ છે. ત્યારે તેની વચ્ચે ગત શૈક્ષણિક વર્ષ-2024-25નું એલએલએમ સેમેસ્ટર-2ની પરીક્ષા ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગત મે-2025 માસમાં લેવામાં આવી હતી. એલએમએમ સેમેસ્ટર-2ની પરીક્ષા લીધાને બે માસથી વધારે એટલે કે 65 દિવસ થઇ ગયા છે. તેમ છતાં હજુ સુધી એલએલએમ સેમેસ્ટર-2ની પરીક્ષાનું પરિણામ પ્રસિદ્ધ કરવા માટે ગુજરાત યુનિવર્સિટી પાસે સમય જ નથી કે પરિણામ તૈયાર હજુ સુધી કરવામાં આવ્યું નથી. તેવા પ્રશ્નો એલએલએમ સેમેસ્ટર-2ના વિદ્યાર્થીઓમાં ઉઠી રહ્યા છે. જોકે એલએલએમ સેમેસ્ટર-2ના પરિણામના આધારે એલએલએમ સેમેસ્ટર-3માં પ્રવેશની કામગીરી કરવામાં આવે છે. ત્યારે વિદ્યાર્થીઓને હજુ સુધી એલએલએમ સેમેસ્ટર-2નું પરિણામ પ્રસિદ્ધ કરાયું નથી. જુલાઇ માસ પણ પૂર્ણ થવાના આરે છે ત્યારે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવશે કે નહી તેની અસમંજસ ભરેલી સ્થિતિમાં આવી ગયા છે.