
દહેગામ પંથકમાં શનિવારે મોડી રાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે સવાર સુધીમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેના કારણે તાલુકાના છેવાડાનું ગણાતું નાની માછંગ ગામમાં જતા મુખ્ય રસ્તા પરના ગરનાળાનું ધોવાણ થઈ જવાને કારણે સમગ્ર ગામ સંપર્ક વિહોણું બન્યું હતું.જેના કારણે સ્થાનિકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી હતી. દહેગામ તાલુકાના નાની માછંગ ગામ ભારે વરસાદનાં કારણે મુખ્ય માર્ગનું ગરનાળુ તૂટી પડતા સમગ્ર ગામ સંપર્ક વિહોણું બન્યું હોવાની જાણ જિલ્લા કલેકટર સહિતના વહીવટી તંત્રને થતા જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા તાત્કાલિક અસરથી એસડીએમ સહિતના અધિકારીઓને સ્થળ પર મોકલી આપવામાં આવ્યા બાદ સુરક્ષાના કારણોસર સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો હતો.
જિલ્લા કલેકટર મેહુલ દવે દ્વારા તાત્કાલિક અસરથી ગરનાળુ રિપેરીંગ કરવાની સૂચના અપાઈ હતી જેને પગલે તાલુકા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસતા વરસાદ વચ્ચે પણ આ માર્ગ દુરસ્ત કરવાની કામગીરી યુદ્વના ધોરણે શરુ કરી દેવામાં આવી હતી. નાની માછંગ ગામનું ગરનાળુ તૂટ્યા બાદ તેને દૂરસ્ત કરવાની કામગીરી અંગે માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઇજનેર જે.પી. ડોડીયાએ જણાવ્યું હતું કે નાની માછંગના ગ્રામજનોનો વ્યવહાર પુનઃ તાત્કાલિક અસરથી શરૂ થાય તે માટે ગરનાળુ રિપેરીંગ કરવા માટે ત્રણ જેસીબી અને છ ટ્રેક્ટર કામે લગાડવામાં આવ્યા છે. અને જો વરસાદ બંધ રહેતો શનિવાર સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવાનો ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.